મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. શનિવારે હાથનુંર ડેમમાંથી આશરે અઢી લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોઉતર વધારો થઈ રહ્યો છે. હાલની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 334.01 ફૂટ સુધી પોંહચી છે. 5,60,743 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો 1,85,521 ક્યુસેક પાણીનું ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.
કાંકરાપારની સપાટી હાલની સપાટી 169.30 ફૂટ પોંહચી છે. જ્યારે 1,92,300 ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થઇ રહ્યો છે. આ સાથે સુરત વિયર કોઝ વે 9.12 મીટરની સપાટી પર પોંહચી છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે સુરતનો વિયર કમ કોઝવે ગરકાવ થયો છે. જ્યારે કોઝવેની સપાટી પરથી પાણીનો મોટો પ્રવાહ તાપી નદીમાં જતા નદી બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે તંત્ર દ્વારા તાપી જિલ્લાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે. તેની કોઈ અસર સુરત અથવા જિલ્લામાં થવાની નથી તેવું સ્પષ્ટ સુરત જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે. લોકોને તાપી નદીના કાંઠે ન જવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ કલેકટરે અપીલ કરી છે.