- સુરતના વરાછા વિસ્તારના મોલમાંથી 43 લાખના મતા ચોરી
- પોલીસ મથક સામે જ છે રિલાયન્સ મોલ
- CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી
સુરત : વરાછા વિસ્તારમાં પોલીસ મથકની સામે જ આવેલા રિલાયન્સ મોલમાંથી અંદાજિત 43 લાખથી વધુના મોબાઈલ, ટેબ્લેટ ઉપરાંત બ્લ્યુટૂથ અને સ્પિકરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. લાખોની ચોરીની આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજમાં તસ્કરો કેદ થયા છે. ફોરવ્હિલ કારમાં આવેલા તસ્કરોએ લાખોની ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસ પણ દોડતી થઈ છે. જે ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
43 લાખના મતાની ચોરી
સુરતના વરાછા રોડ પર આવેલા રિલાયન્સ ડિજિટલ મોલને રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા 43 લાખથી વધુની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. વરાછા પોલીસના જણાવ્યા અનુસાર ફોર વ્હિલ કારમાં આવેલા આશરે ચારથી પાંચ જેટલા શખ્સોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
205 અલગ-અલગ કંપનીના મોબાઈલ, 23 ટેબ્લેટ સહિત બ્લ્યુટૂથ અને સ્પિકર ચોરી
મોડી રાત્રિ દરમિયાન આવેલા શખ્સોએ રિલાયન્સ ડિજિટલ મોલના શટરને ખેંચી પ્રવેશ અંદર કર્યો હતો. જે બાદ મોલમાં રહેલા 205 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ, 23 ટેબ્લેટ સહિત બ્લ્યુટૂથ અને સ્પિકર મળી કુલ 43 લાખથી વધુની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ લાખોની ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ CCTV ફૂટેજમાં 4થી 5 શખ્સો શટર ઊંચું કરતા નજરે પડે છે. CCTV ફૂટેજના આધારે હાલ આરોપીઓની ધરપકડ કરવા પોલીસની જુદી-જુદી ટીમ કામે લાગી છે.
ઘટના સ્થળ અને વરાછા પોલીસ મથકનું અંતર માત્ર 100 મીટર
રિલાયન્સ મોલમાં લાખોની ચોરીની ઘટના બની છે, ત્યાંથી વરાછા પોલીસ મથકનું અંતર અંદાજીત 100 મીટર જેટલું છે. તેમ છતાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ખૌફ ન રહ્યો હોય તેમ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ આ ગુનાને ઉકેલવામાં કેટલી સફળ રહે છે તે પણ જોવાનું રહેશે.