સુરત : સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આજરોજ એક કિશોરે જીવન ટૂંકાવ્યું છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ધોરણ 9માં કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ મામલે વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હરિધામ સોસાયટીમાં બન્યો બનાવ : સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય અજય બલદાણીયા આજ રોજ પોતાના ઘરના હોલમાં જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચક્કચાર મચી જવા પામી હતી. પરિવાર અજયની સ્થિતિ જોઈ બુમાબુમ કરવા લાગતાં લોકો દોડી આવ્યા હતાં અને અજયને નીચે ઉતારીને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે અજયની બોડીને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના થતા જ હોસ્પિટલ દ્વારા જ વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું
પોલીસનું નિવેદન : આ બાબતે વરાછા પોલીસમાં ફરજ નિભાવતા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. આ ઘટનામાં મૃતક કિશોર અજય ગુણવંતભાઈ બલદાણીયા જેઓ 15 વર્ષના હતા. તેઓ વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતા હતા. તેમના પિતા ગુણવંતભાઈ બલદાણીયા જેઓ રત્ન કલાકાર છે. તેમને બે દીકરાઓ છે. તેમાં અજય સૌથી નાનો છોકરો હતો. મોટો છોકરો કોલેજમાં અભ્યાસ કરે છે. અજય ધોરણ 9માં અભ્યાસ કરતો હતો.
પિતાએ જણાવી ઘટના : તેમના પિતાના નિવેદનમાં એવું જણાવ્યું હતુંકે, તેઓ ગઈકાલે આખો દિવસ નોકરી પર હતા અને તેમની પત્ની સાંજે બહાર શાકભાજી લેવા માટે ગઈ હતી. ત્યારે તેનો ભાઈ પણ કાકા જોડે બહાર ગયો હતો. અને ત્યારે જ હું આવ્યો અને દરવાજો ખુલ્લો જોયો હતો. મેં અંદર જઈને જોયું તો અજયે આપઘાત કરવાની સ્થિતિમાં જોયો અને બૂમો પાડતાં લોકો પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો Surat Crime: ઈઝરાયલથી ભાઈના લગ્નમાં આવેલી મહિલાની આત્મહત્યા, પરિવારે સાસરિયાં પર લગાવ્યો આરોપ
અજય છેલ્લા ઘણા દિવસથી મોબાઇલની માંગણી કરતો હતો : પરિવાર દ્વારા જ અજયને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં સ્વીમેર હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે અજય મૃત જાહેર કર્યો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે, અજય છેલ્લા ઘણા દિવસથી મોબાઇલની માંગણી કરતો હતો. પરંતુ મારી પાસે એટલી વ્યવસ્થા ન હતી કે હું તેને નવો મોબાઈલ આપી શકું. તેમણે કહ્યું હતું કે થોડા દિવસ રોકાઇ જા હું તને પછી નવો મોબાઈલ લઈ આપીશ. આ વાતથી અજય ખૂબ જ નિરાશ રહેતો હતો. જેને કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હોઈ શકે છે. પરંતુ હાલ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.