સુરત: શિયાળામાં સુરતમાં ઠેર ઠેર નીરાનું બેફામ વેચાણ થતું જોવા મળે છે. સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએથી નીરાના કુલ 21 સેમ્પલ્સ પરિક્ષણ માટે લીધા હતા. આ સેમ્પલ્સના રિપોર્ટમાં 16 નમૂના ફેલ આવ્યા છે. આ ફેલ નમૂનામાં પીએચ અને સુગર લેવલ 2006ના ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર ન હતું. મનપા દ્વારા બિન આરોગ્યપ્રદ નીરા વેચતા વેપારીઓ પાસેથી કુલ 17,700નો દંડ વસૂલવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતમાં વિવિધ સ્થળો એ નૂતન ગ્રામ ઉદ્યોગ મંડળ-લાજપોર, તડગામ વિભાગ નીરા-તડગામ ગ્રામોદ્યોગ સહકારી મંડળી, ઓલપાડ તાલુકા નીરા અને તાડ ગોળ ઉત્પાદક સ. મં. લી. ભાગળ, એમ કુલ 3 સંસ્થાઓ દ્વારા નીરાનું વેચાણ કરવામાં આવે છે. સુરત મનપાના આરોગ્ય વિભાગે જયેશ મેડિકલ, ઉધનાગામ, પ્રાઈમ આર્કેડની પાસે, અડાજણ, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ, જય ઉત્તમ ચેમ્બર, ખટોદરા જેવા કુલ 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં આરોગ્ય અધિકારીઓએ નીરાના કુલ 21 શંકાસ્પદ નમૂના પરિક્ષણ માટે લીધા હતા. પરિક્ષણ બાદ આ 21માંથી 16 નમૂના ફેલ જણાયા હતા. સુરત મનપાએ બિન આરોગ્યપ્રદ નીરા વેચતા વેપારીઓ પાસેથી કુલ 17,700 રુપિયાનો દંડ વસૂલ્યો છે.
નીરાના ફેલ નમૂનાઓમાં પીએચ અને સુગર લેવલ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ન હતા. માપદંડ મુજબ પીએચ લેવલ 6થી 7.5 ટકા અને સુગર લેવલ ઓછામાં ઓછું 13 ટકા હોવું જોઈએ. આ માપદંડોનું 16 નમૂનામાં ઉલ્લંઘન થતું હતું. બિન આરોગ્યપ્રદ નીરા વેચતા વેપારીઓ પાસેથી કુલ 17,700 રુપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો...ડી. કે. પટેલ(ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહા નગર પાલિકા)