નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકોને આ સપ્તાહે મોટી ભેટ મળી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની એક બેઠક શુક્રવારે 28મી ફેબ્રુઆરીએ મળવાની શક્યતા છે, આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દરો અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા કરશે.
તમને જણાવી દઈએ, EPFO પાસે લગભગ 7 કરોડ ખાતાધારકો છે. સંસ્થાએ નાણાકીય વર્ષ 2023-24 માટે EPF પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2022-23માં વ્યાજ દર 8.15 ટકા અને 2021-22માં 8.10 ટકા હતો.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં EPFO દ્વારા તેના રોકાણ પર મળેલા ઉત્તમ વળતરને કારણે આ વર્ષે પણ 8.25 ટકાનો EPF વ્યાજ દર જાળવી રાખવામાં આવી શકે છે. બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટે EPF પર વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે. CBT તરફથી લીલી ઝંડી મળ્યા બાદ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.
EPFO ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે સામાજિક સુરક્ષા યોજના ચલાવે છે. આ અંતર્ગત દર મહિને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી પીએફના નામે ચોક્કસ રકમ કાપીને ઈપીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. કંપની દ્વારા પણ સમાન યોગદાન આપવામાં આવે છે. EPFO દર વર્ષે જમા રકમ પર વ્યાજ દર નક્કી કરે છે.
ઇન્ટરેસ્ટ સ્ટેબિલાઇઝેશન રિઝર્વ ફંડ પર ચર્ચા અપેક્ષિત છે:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં EPFO ખાતાધારકોને તેમના રોકાણ પર રિટર્ન આપવા માટે ઈન્ટરેસ્ટ સ્ટેબિલાઈઝેશન રિઝર્વ ફંડ (Interest Stabilization Reserve Fund) બનાવવા પર ચર્ચા થઈ શકે છે. તેનો ઉદ્દેશ EPFO ના લગભગ 7 કરોડ સભ્યોને તેમના ભવિષ્ય નિધિ પર સ્થિર વળતર આપવાનો છે. આ સાથે, વ્યાજ દરોમાં વધઘટ હોય અથવા EPFOને તેમના રોકાણ પર ઓછું વળતર મળે તો પણ ખાતાધારકોને ખાતરીપૂર્વકનું વળતર મળશે.
જો EPFOની આ યોજના CBT દ્વારા મંજૂર કરવામાં આવે છે, તો તેને 2026-27 થી લાગુ કરી શકાય છે.
આ પણ વાંચો: