સુરતઃ સાડી માટે પ્રખ્યાત સુરત સિટી હાલ સાડી ઉત્પાદનની જગ્યાએ ભગવાન શ્રી રામ અને રામ મંદિરના તસવીર વાળા ધ્વજ બનાવી રહ્યું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ જ્યારે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે દેશભરમાં તેને લઈ ભગવાન રામ અને રામ મંદિરની ધ્વજાની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે સુરત શહેરમાં વેપારીઓ દરરોજ 3 લાખથી પણ વધુ ધ્વજનું પ્રોડક્શન કરી રહ્યાં છે
3 લાખથી વધુ રામ ધ્વજઃ સુરતની અનેક કાપડ ફેક્ટરીઓમાં ભગવાન રામ અને રામ મંદિર ધ્વજ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. રામ ધ્વજ બનાવનારા મોટાભાગના મજૂરો અને કારીગરો મહીલાઓ છે. સુરતના વેપારીઓ સાડીનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હાલ ડિમાન્ડને ધ્યાનમાં રાખી ખાસ ધ્વજ બનાવી રહ્યા છે. સુરતમાં લાખોની સંખ્યામાં ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના અભિષેક સમારોહ માટે સુરતની કાપડ ફેક્ટરીઓમાં ભગવા ધ્વજ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી શ્રીરામ ધ્વજની ડિમાન્ડ જોવા મળી રહી છે. રાજકીય પક્ષ, સંસ્થા અને લોકો દ્વારા આ ધ્વજની ડિમાન્ડ પણ થઈ રહી છે.
વિદેશથી ડિમાન્ડઃ ધ્વજની ડિમાન્ડ વધતા વેપારીઓએ કારીગરોની સંખ્યા પણ વધારી છે. આજ કારણ છે કે મોટી સંખ્યામાં મહિલા કારીગરોને ધ્વજ બનાવવાનો તક મળી છે. આ દિવસોમાં દેશભરમાં શ્રી રામના ધ્વજની માંગ વધી રહી છે. અત્યાર સુધીમાં વિવિધ ભાષાઓમાં શ્રી રામના ભગવા ધ્વજ બનાવવાના ઓર્ડર પણ મળ્યા છે. એટલું જ નહીં વિદેશોમાંથી પણ આ ધ્વજની માંગ વધી છે વેપારીઓ ઓર્ડર પ્રમાણે એનઆરઆઈ લોકોને પણ ધ્વજ સપ્લાય કરી રહ્યા છે.
અમારે ત્યાં 6 ઈંચથી લઈને 3 મીટર સુધીના રામ ધ્વજ બની રહ્યા છે. અત્યારે ડિજિટલ પ્રિન્ટમાં ભગવાન રામ અને રામ મંદિરની આબેહૂબ પ્રિન્ટ રામ ધ્વજમાં જોવા મળે છે. અમે રામ ધ્વજની ડિમાન્ડને પહોંચી વળવા કારીગરોની સંખ્યામાં વધારો કર્યો છે...મનોજ ગોયલ(વેપારી, સુરત)
હું કામની શોધમાં છેક કોલકાતાથી અહીં સુરત આવી છું. મને પ્રભુ શ્રી રામની કૃપાથી અહીં રામ ધ્વજ બનાવવાનું કામ મળી ગયું છે. હું દરરોજ 2000થી વધુ ધ્વજ કટ કરુ છું. આ કામથી જે પૈસા મળે છે તેનાથી હું મારા સંતાનોને ભણાવી પણ શકું છું. મારા પર પ્રભુ શ્રી રામની કૃપા થઈ છે...માધુરી(કારીગર, સુરત)