સુરતઃ લોકડાઉન 4.0 સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થતાં ગુજરાત સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. સરકાર દ્વારા કન્ટેનમેન્ટ અને નોનકન્ટેનમેન્ટ એમ બે વિભાગ જાહેર કરવામાં આવ્યા છે. નોનકન્ટેનમેન્ટ વિસ્તારમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સરકાર દ્વારા નોનકન્ટેનમેન્ટ વિસ્તારોમાં હેરસલૂન, પાનમાવાની દુકાનો, એસ.ટી બસ સેવા, ખાનગી વાહનો વગેરે જેવી છૂટછાટો આપવામાં આવી છે.
છૂટછાટ આપવામાં આવતા સુરત ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક વિસ્તારો ધમધમતા થઈ ગયા છે. નોનકન્ટેનમેન્ટ વિસ્તારમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ ગયા છે. કેટલીક ઓફિસો 50% સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી છે.
દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે, વિસ્તાર ઓલપાડ તાલુકાના કિમ ગામનો છે. કિમ ગામે આજદિન સુધી કોરોના પોઝીટીવનો એક પણ કેસ નોંધાયો ન હતો. તેથી કિમ ગામનો સમાવેશ નોનકન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નોનકન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરતા કિમ બજાર અને કિમ ગામ ધમધમતું થઈ ગયું છે. કિમની અત્યંત ટ્રાફિક ધરાવતી ફાટક લોકડાઉન સમયમાં સુમસાન બની ગઈ હતી. પરંતુ છૂટછાટ મળતા ફરી આ આ ફાટક પર ટ્રાફિક જોવા મળ્યું હતું. ઔદ્યોગિક એકમો શરૂ થતાં લોકો સવારથી ટિફિન લઈને કામ પર જવા નીકળી પડ્યા હતા. આમ લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટ મળતા સુરત ગ્રામ્ય વિસ્તાર ફરી ધમધમતો થયો હતો.