સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્ક બહાર ઉભેલી મેડિયન્ટ કંપનીની કેશવાનના ગનમેનની નજર ચૂકવી અજાણ્યા શખ્સો રૂપિયા વીસ લાખ ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ કેશવાન બહાર ચલણી નોટો પડી ગઈ હોવાનું ગનમેનને જણાવી લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ લુંટ પછી અઠવા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. ધોળા દિવસે અને હજારો લોકોની અવરજવર વચ્ચે બનેલી લૂંટની આ ઘટના નજીકના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી. CCTV ફુટેજના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
સુરતમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગનાં 7 સાગરીતો પકડાયા સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ જે ઓટો રીક્ષામાં લૂંટની ઘટનાને અંજામ આપી ગયા હતા. તે ઓટો રીક્ષા ઉધના દરવાજા થઈ સુરત રેલવે સ્ટેશન તરફ ગઈ છે. જેથી પોલીસે જેથી પોલીસે આ રુટ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ રેલવે સ્ટેશનવાળા રસ્તાથી સીધા કામરેજ થઈ વાપી પોહચ્યાં હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વાપી પોહચી હતી, પરંતુ ત્યાંથી પણ આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા..ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, તામિલનાડુ શહેરમાં આવેલ ત્રિચૂલાપલ્લીમાં મોટી વસાહત છે અને આવી જ ગેંગના સભ્યો અહીં રહે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તામિલનાડુ જવા રવાના થઇ હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચને ખાતરી હતી કે, લૂંટની ઘટનાને અંજામ આપનાર કોઈ સામાન્ય ગેંગ નહીં પરંતુ આંતરાજ્ય ગેંગ છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીઓને ઝડપી પાડવા તામિલનાડુ સહિતના શહેરોમાં પહોંચી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે, ગેંગના સભ્યો મુંબઈથી દિલ્લી અન્ય એક ઘટનાને અંજામ આપવા જઇ રહી છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરિયાણા રાજ્યના પલવલ સ્ટેશને પહોંચી ટ્રેનમાંથી ગેંગના સાત આરોપીઓની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રૂપિયા 3.70 લાખની રોકડ રકમ સહિત પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે. જ્યારે ગેંગના અન્ય બે સભ્યો ટ્રેન મારફતે સુરતથી તમિલનાડુ લૂંટની રકમ લઈ જતા રહ્યા હોવાની માહિતી બહાર આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની અન્ય એક ટીમને તમીલનાડુમાં આરોપીઓને પકડવા વોચમાં મુકાઈ છે. મહત્વનું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા ત્રિચી ગેંગના સભ્યો ઘટનાને અંજામ આપતા પહેલા પોતાની ઓળખ છતી ના થાય તે માટેનું ધ્યાન રાખતા હતા. જેથી આરોપીઓની ઓળખ થાય અને અન્ય આરોપીઓ ઝડપાય તે માટે સોશિયલ મીડિયા પર રહેલ ઓલ ઇન્ડિયા પોલીસના ગ્રુપમાં આરોપીઓના ફોટો સાથેની માહિતી શેર કરાઈ છે. લૂંટની આ ઘટનાને અંજામ આપવા માટે ગેંગના દસ જેટલા સભ્યો સુરત આવ્યા હોવાની માહિતી આરોપીઓની પૂછપરછ દરમ્યાન બહાર આવી છે.
મહત્વની વાત તો એ છે કે, આરોપીઓ જ્યાં ભીડભાળવાળી જગ્યા હોય અને જ્યાં કેશ ટ્રાજેક્શન મોટા પ્રમાણમાં થતા હોય તે જગ્યાએ ગુનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.આ ઘટનામાં પણ આરોપીઓએ રેકી કર્યા બાદ ગુનો આચર્યો હતો. પરંતુ સુરતમાં બનેલી લાખોની લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ગેંગના અન્ય બે સભ્યો જે લૂંટની રકમ લઈ ફરાર છે તેને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી છે.