સુરત : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રતિમા સ્થાપિત થશે. સામાન્ય રીતે દરેક રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા પૂજાયમાન હોય છે. પરંતુ સુરતમાં એકમાત્ર મંદિર છે જેમાં ભગવાન રામની પ્રતિમા નથી પરંતુ ભગવાન રામની અનુભૂતિ દરેક ભક્તો કરતા હોય છે. કહેવાય છે કે રામ કરતાં રામનું નામ મોટું છે. સુરતના શ્રી રામ નામ મંદિરનો મહિમા અન્ય મંદિરો કરતા અલગ છે. શ્રીરામનામ મંદિર વિશ્વમાં એક એવું અનોખું મંદિર છે કે જેનાં વિશે કદી જોયું કે સાંભળ્યું ના હોય. શ્રીરામનામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનાં સ્થાને 1100 કરોડ રામના નામ છે.
મંદિરમાં ભગવાન રામ તો દેખાશે : કહેવાય છે કે રામ સે બડા રામ કા નામ .. આ જ કહેવતને સાર્થક કરતું આ મંદિર છે, જેમાં 1.5 લાખથી વધુ રામભક્તો દ્વારા લખાયેલ 1100 કરોડ રામ નામ મંત્ર સંખ્યા ધરાવતી 3 લાખથી વધુ રામનામ મંત્રલેખન બુક રૂપી તપ સંપૂટરૂપ પ્રભુની સ્થાપના કરવામાં આવી છે. બહાર થી આ મંદિર સામાન્ય મંદિરની જેમ દેખાશે. પરંતુ જ્યારે તમે આ મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે આરામ મંદિરમાં ભગવાન રામ તો દેખાશે નહીં પરંતુ ભગવાન રામની અનુભૂતિ તેમના નામની સાથે થશે. લાખો ભક્તો દ્વારા લખવામાં આવેલ રામ નામના પુસ્તકો આ મંદિરમાં છે. જેના કારણે આ મંદિરનું નામ શ્રી રામ નામ મંદિર છે. આ ભગવાન રામના ભક્તો હસ્તે લખાયેલ રામ નામની પુસ્તકોથી તૈયાર થયેલ છે.
રામભક્તો આ પુસ્તકમાં ભગવાન રામનું નામ લખે છે : મંદિરની સંભાળ કરનાર મહારાજ વિવેક શુક્લાએ જણાવ્યું હતું કે, અહીં ભગવાનની પ્રતિમા નથી. પરંતુ રામભક્તો દ્વારા લખાયેલ રામ શબ્દના પુસ્તકો જોવા મળે છે. અહીં અન્ય મંદિરોની જેમ પૂજા અર્ચના કે આરતી કરવામાં આવતી નથી. જોકે અહીં અમે દીવા પ્રગટાવીએ છીએ અને પુષ્પ અર્પિત કરીએ છે.
અહીં આરતી થતી નથી. ભગવાન રામનું અનોખું મંદિર છે. કારણ કે રામ કરતાં મોટું રામનું નામ છે. જ્યારે રામનું નામ હોય તો અહીં તમામ વસ્તુઓ પવિત્ર ગણાય છે. શ્રીરામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને બુક અને બોલપેન આપવામાં આવે છે અને રામ ભક્તો આ પુસ્તકમાં ભગવાન રામનું નામ લખે છે. આ પુસ્તક એકત્ર કરી અહીં મૂકવામાં આવ્યાં છે. હાલ 1100 કરોડ રામ મંત્ર અહીં છે અને આવનાર દિવસોમાં તેની સંખ્યા વધશે. ત્યાંથી આવેલ અક્ષત પણ અહીં મૂકવામાં આવ્યાં છે. એક વર્ષ પહેલાં જ મંદિરની સ્થાપના થઈ છે...વિવેક શુક્લા ( મહારાજ )
પરમ શાંતિનો અનુભવ : રામભક્ત જીજ્ઞા શુક્લાએ જણાવ્યું હતું કે, રામભકત પ્રભુ શ્રીરામની દિવ્ય અનુભૂતિ કરી પરમ શાંતિનો અનુભવ કરે છે અને ઈચ્છિત મનોકામનાઓની પૂર્તિ કરી અંતે ભવબંધનથી મુકત થઈ જાય છે. આ દિવ્ય શ્રીરામનામ મંદિરની પ્રદક્ષિણાનું ઘણું જ મહત્વ હોઇ દરેક રામપ્રેમી ભક્તો અને હું પોતે રોજે અહીં પ્રદક્ષિણા કરી દિવ્ય રામ નામ ઊર્જાની અનુભૂતિ કરું છું.
51 ફુટ ઉંચો પંચઘાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ : આ રામ મંદિરની બીજી ખાસિયત છે કે ભગવાન રામની પ્રતિમા નથી. આરતી થતી નથી પરંતુ
51 ફુટ ઉંચો પંચઘાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ નિર્માણ કરવામાં આવેલ છે. જે દાતાઓના દાનમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. લોકો પાસે ધાતુ ઉઘરાવી આ સ્તંભ તૈયાર કરાયો છે અને કેરળના કારીગરો દ્વારા આ સ્તંભ બનાવવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ છે અને રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે.