સુરત : સુરત જિલ્લાના કીમ ચારરસ્તા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસેલા વરસાદને લઈને વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી. માંગરોળ અને ઓલપાડ તાલુકામાં વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતાં. જોકે પાકને હજુ વરસાદની જરુર છે ત્યારે સારા વરસાદની અપેક્ષા છે.
લાંબા સમયથી ધોધમાર વરસાદ નથી વરસ્યો જેને લઇને આ પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સારો વરસાદ વરસે એ હાલ જરૂરી બન્યું છે. જોકે હાલ વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોને આંશિક રાહત થઈ છે...વિજયભાઈ (ખેડૂત)
વાતાવરણમાં ઠંડક પ્રસરી : દક્ષિણ ગુજરાતમાં થોડા સમયથી મુશળધાર વરસાદ નથી વરસી રહ્યો. ખેડૂતો સહિતના લોકો વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ વરસે તેવી સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે આજરોજ સાંજના સમયે સુરત જિલ્લાના કીમ ચારરસ્તા, નવાપરા, પાલોદ સહિતના વિસ્તારોમાં અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનની ગતિ સાથે વરસાદ વરસ્યો હતો. થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠેલા ખેડૂતો હાલ તો વરસાદ વરસતા ખુશખુશાલ થઈ ગયા હતા.વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.
ઓગસ્ટ મહિનાનો સાવ કોરો ગયો : સુરત જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજા મહેરબાન રહ્યાં હતાં અને મન મુકીને વરસ્યા હતાં.જેને લઇને ખેડૂતોએ વાવણી કરી દીધી હતી.જોકે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન વરસતાં ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા.તેમજ શેરડી,સોયાબીન સહિતના પાકોમાં જીવાતો પણ પડી ગઈ હતી.જેને લઇને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે હાલ વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોને આંશિક રાહ થઈ છે.
સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં : સુરત જિલ્લામાં આ વર્ષે વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં વરસ્યો છે. ઓલપાડ તાલુકામાં 542 mm, માંગરોળ તાલુકામાં 710 mm, ઉમરપાડા તાલુકામાં 1523 mm, માંડવી તાલુકામાં 1229 mm, કામરેજ તાલુકામાં 945 mm, સુરત શહેરમાં 945 mm, ચોર્યાસી તાલુકામાં 849 mm, પલસાણા તાલુકામાં 1423 mm, બારડોલી તાલુકામાં 1515 mm અને મહુવા તાલુકામાં 1555 mm વરસાદ નોંધાયો છે.