સુરત : હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસયો છે. જેને પગલે સુરત જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે, ત્યારે વરસી રહેલા ભારે વરસાદને પગલે માંડવી તાલુકાના ઉશ્કેર ગામ પાસે પસાર થતી ખાડી ગાંડીતૂર બની હતી. ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને પગલે મૂંઝાવ અને ઉશ્કેર ગામનો સીધો સંપર્ક તૂટી ગયો હતો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ રસ્તા પર બેરીકેટ પણ મૂકી દીધા છે અને કોઈપણ લોકોને નદીના વહેણ નજીક ન જવા અપીલ કરાઈ છે. છતાં ઘણા લોકો જીવના જોખમે નદી પસાર કરતા નજરે ચડ્યા હતા.
દર વર્ષે વરસાદના કારણે આ ખાડીમાં નવા નીર આવે છે અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેને લઇને એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી જાય છે. આ ખાડી પર હાઈ બેરલ બ્રિજ બને તેવી વર્ષોથી લોકોની માંગ છે. છતાં તંત્ર દ્વારા આ વાત ધ્યાને લેવામાં આવતી નથી. તંત્ર આ ખાડી પર હાઈ બેરલ બ્રિજ બનાવે તે ખૂબ જરૂરી છે. - વિજયભાઈ (વાહનચાલક)
ક્યાં કેટલો વરસાદ : સવારે 06થી બપોરના 02 વાગ્યા દરમિયાન સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં 00 મિમી, ચોર્યાસીમાં 12 મિમી, કામરેજમાં 73 મિમી, માંડવીમાં 12, બારડોલીમાં 09 મીમી, સુરત શહેરમાં 36 મિમી, ઓલપાડમાં 62 મિમી, પલસાણામાં 09, ઉમરપાડા તાલુકામાં 41 મિમી, માંગરોળ તાલુકામાં 41 મિમી વરસાદ નોંધાયો હતો.
જનજીવન પ્રભાવિત થયું : ઉલ્લેખનિય છે કે, સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. આ વરસાદી માહોલ વચ્ચે રોગચાળો પણ માથું ઉચકી રહ્યો છે. ઝાડા ઉલ્ટીના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જે એ ચિંતાજનક બાબત છે.