સુરત : છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત જિલ્લા સહિત તાલુકામાં ભારે મેઘમહેર થઇ રહી છે. જેને લઇ માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગોડધા ડેમ આ ચોમાસાની સીઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. જોકે બીજી તરફ એક ફળિયાના રહીશો કોઝવે પરથી પસાર થતા હોવાથી પરથી પાણીનો ફ્લો વહેતો હોય છે. તેના પરથી પસાર થતા જીવનું જોખમ પણ રહેલું છે. આમલી ડેમમાંથી આ ગોડધા ડેમમાં વરસાદી પાણી છોડવામાં આવે ત્યારે ઓવરફ્લો થઈ જતો હોય છે અને ભારે વરસાદ વરસતા ડેમ ભરાઈ જતો હોય છે. ઉનાળા, શિયાળામાં ખાસ કરીને કાંકરાપાર સિંચાઈ યોજનામાં લાઈનથી પાણી ભરવામાં આવતું હોય છે.
ગતરોજ વરસાદ : સુરત જિલ્લામાં ગતરોજ સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં વરસ્યો હતો. ગણતરીની કલાકોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે માંડવી તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને મેઘરાજાનો આભાર માન્યો હતો.
સુરત જિલ્લામાં 10 દિવસ મોડો વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે હાલ સારો વરસાદ વરસતા શેરડી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં ફાયદો થયો છે. હાલ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે અને આખું ચોમાસું મેઘરાજા મહેરબાન રહે તેવી ભગવાને પ્રાર્થના છે. દક્ષિણ ગુજરાતમાં એક લાખ એકરમાં શેરડીની ખેતી થાય છે. - જયેશભાઈ (ખેડુત)
સુરત જિલ્લામાં ક્યા કેટલો વરસાદ : સુરત જિલ્લામાં અષાઢ મહિનાનો બેસતા જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી, ત્યારે અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 236 mm, માંગરોળ તાલુકામાં 351 mm, ઉમરપાડા તાલુકામાં 698 mm, માંડવી તાલુકામાં 723 mm, કામરેજ તાલુકામાં 512 mm, સુરત સિટીમાં 358 mm, ચોર્યાસી તાલુકામાં 339 mm, પલસાણા તાલુકામાં 787 mm, બારડોલી તાલુકામાં 889 mm અને મહુવા તાલુકામાં 805 mm વરસાદ નોંધાયો છે.