સુરત : છેલ્લા ઘણા સમયથી બારડોલી અને પલસાણા તાલુકામાં ખેતરાડી વિસ્તારમાંથી પસાર થતી કૃષિની વીજલાઇનના વીજતાર ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી હતી. વીજતાર ચોરી થવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને નુકસાન થવાની સાથે ખેડૂતોને વીજપુરવઠો ન મળતા પાકને પણ મોટું નુકસાન થતું હતું. ત્યારે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વીજતારની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. ગેંગ ઝડપાતા 26 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.
કેવી રીતે ગેંગ ઝડપાય : છેલ્લા 6 મહિનામાં પલસાણા પોલીસ મથક વિસ્તારમાં 12 અને બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં 14 વીજતાર ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. આ અંગે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચોરીના ગુનાઓને ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 25મીના રોજ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી અને પલસાણા તાલુકાના ખેતરાડી વિસ્તારમાં કૃષિની વીજલાઇનના વીજતારની થયેલ ચોરીનો જથ્થો રતનસિંગ ઉર્ફે ફતેસિંગ રાજપૂતે બારડોલીના તેન ગામની હદમાં દેવનારાયણ કોમ્પ્લેક્સમાં આવેલી ભંગારની દુકાનમાં છુપાવી રાખેલી છે. ત્યાંથી સગેવગે કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે ભંગારના ગોડાઉનમાં દરોડા કરતાં ત્યાંથી મોટા જથ્થામાં વીજતાર મળી આવ્યા હતા.
વીજતારનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા : પોલીસે રતન ઉર્ફે ફતેસિંહ સોહનસિંગ રાજપૂતની અટક કરી પૂછપરછ કરતાં આ વીજતારની ચોરી પલસાણાના બારાસડી ગામની સીમમાંથી સમીર નવસાદ શેખ અને તેના સાગરીતોએ કરી હોવાની કબૂલાત કરી હતી. બારાસડી ખાતે આવેલી ભંગારની દુકાનમાં છાપો મારતા ત્યાં સમીર નવસાદ શેખ અને તેના સાગરીતો એક કારમાં વીજતારનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા. પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
6 માસથી ચોરી : પૂછપરછમાં તેઓ છેલ્લા 6 માસથી બારડોલી અને પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી ખેતીવાડી વીજ જોડાણના વીજતારો રાત્રિના સમયે કાપી લઈ ચોરી કરી જતાં હતા. આ ચોરી કરેલા માલ રતન ઉર્ફે ફતેસિંગ રાજપૂત તેમજ બારડોલીના આશિયાનાનગરમાં રહેતા મદનલાલ તુલસીરામને આપ્યા હતા.
રિફાઇનરીમાં આપતા હતા જથ્થો : આ બંને ભંગારના વેપારીઓએ ચોરીના વીજતારનો જથ્થો કીમ, લીમોદરા ખાતે એલ્યુમિનિયમ ગાળવાની રામા એલ્યુમિનિયમ ફેક્ટરી ચલાવતા મેઘજીભાઈ નામના શખ્સને વેચાણથી આપેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રામા એલ્યુમિનિયમ ફેક્ટરીમાં દરોડા પાડી ત્યાંથી વીજતાર, ઓગાળી નાખેલ જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે રામા ફેક્ટરીના મેઘજીભાઈ સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાખોનો મુદ્દામાલ કબ્જે : પોલીસે રતનસિંગ ઉર્ફે ફતેસિંગ રાજપૂતની ભંગારની દુકાનમાંથી 753.100 કિલોગ્રામ એલ્યુમિનિયમ વીજતારનો જથ્થો કિંમત 1,65,682 રૂપિયા, સમીર નવસાદ શેખના ભંગારના ગોડાઉનમાંથી 1,528 કિલોગ્રામ એલ્યુમિનિયમનો જથ્થો કિંમત 3,36, 160, રામા એલ્યુમિનિયમ ફેક્ટરીમાંથી મળી આવેલા વીજતારનો જથ્થો 215 કિલોગ્રામ કિંમત 47,300 રૂપિયા તેમજ 6600 કિલોગ્રામ ઓગાળેલ તારનો જથ્થો કિંમત 14.52 લાખ રૂપિયા, એક મોટર સાઇકલ કિંમત 50 હજાર, એક કાર કિંમત 1 લાખ, લોખંડના કતાર કિંમત 2,000 અને 6 મોબાઇલ ફોન કિંમત 1.65 લાખ અને રોકડા 4,250 રૂપિયા મળી કુલ 23,22, 392 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો : Navsari Crime : ચીખલી બીલીમોરા અનેક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
આ રીતે ઘટનાને અંજામ આપતા હતા : LCB PI બી.ડી.શાહે જણાવ્યું હતું કે, મુખ્ય સુત્રધાર સમીર નવસાદ શેખના કહેવા મુજબ પકડાયેલા આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓ રાત્રીના સમયે પોલીસે કબ્જે કરેલી એસેન્ટ કાર લઈ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પસારથી ખેતીવાડી વીજલાઈનમાં ઉપયોગ કરવામાં આવેલ હતી. એલ્યુમિનિયમના વીજતાર ચોરી કરવા જતા અને રાત્રીના સમયે વીજતાર કાપીને ચોરી કરી તે સમીર શેખના ગોડાઉન ઉપર લઈ આવતા હતા. સમીર શેખ ભંગારનો વેપાર કરનાર સહઆરોપીઓ રતન ઉર્ફે ફતેસિંગ રાજપુત, મદનલાલ તુલસીરામ રાજપુરોહીતને વેચાણ આપી દેતા હતા. જેઓ બન્ને કીમ નજીક લીમોદ્રા ગામની હદમા આવેલા રામા એલ્યુમીનીયમ ગાળવાની ફેકટરી ચલાવનાર મેઘજીભાઈને આપતા હતા. જેથી આ રામા એલ્યુમીનીય ફેક્ટરીના માલીક પોતાની ફેકટ્રીમાં એલ્યુમીનીયમ ગાળવાની ભઠ્ઠીમા વીજતારનો જથ્થો ઓગાળી નાખી તેમાંથી અન્ય એલ્યુમીનીયમ સ્પેરપાર્ટ (સેક્શન) બનાવી દેતા હતા. આ રીતે સમગ્ર નેટવર્ક ચલાવતા હતા.
આ પણ વાંચો : Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ
ઝડપાયેલા આરોપી : સમીર નવસાદ શેખ (ઉ.વ.19 બાબેન રાજીવ નગર બારડોલી), ઇબ્રાહિમ બફાતી રાઈન (ઉ.વ.25 ગંગાધરા કૃષ્ણ વીલા સોસાયટી), મોહમદ યુસુફ તફસીલ રાઇન (26 ગંગાધરા કૃષ્ણ વીલા સોસાયટી), તાલીમ નઇમ રાઈન (ઉ.વ.22 ગંગાધરા કૃષ્ણ વીલા સોસાયટી), ઇરસાદ રજબઅલી રાઈન (ઉ.વ.19 ગંગાધરા કૃષ્ણ વીલા સોસાયટી), રતન ઉર્ફે ફતેસિંગ સોહનસિંગ રાજપૂત (ઉ.વ.48 તેન ગામ આદર્શ એપાર્ટમેન્ટ બારડોલી) અને મદનલાલ તુલસીરામજી પુરોહિત (ઉ.વ.34 બાબેન ગામ.મંનપસંદ પાર્ક તાં બારડોલી)ની ધરપકડ કરવામાં આવી છે.