- કાચનો ભૂકો પતંગના દોરામાં લગાવનાર 2 દુકાનદારોની ધરપકડ
- જીવલેણ દોરી બનાવનારા દુકાનદારોની પોલ ખૂલી
- 200 ગ્રામ જેટલો કાચનો ભૂકો પણ કબ્જો કર્યો
સુરતઃ સુરત પોલીસે દરોડો પાડી કાચનો ભૂકો પતંગના દોરામાં લગાવનાર 2 દુકાનદારોની સુરત પોલીસ ધરપકડ કરી છે. સુરતના વેડ રોડ નાની બહુચરા જી ખાતે 2 દુકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે જીવલેણ દોરી બનાવનારા દુકાનદારોની પોલ ખૂલી હતી. પોલીસે ઘટના સ્થળેથી 200 ગ્રામ જેટલો કાચનો ભૂકો પણ કબ્જો કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત પોલીસ દ્વારા રેડની કાર્યવાહી
ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત પોલીસના જાહેરનામાનો પાલન થાય એ માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર આવેલા પતંગ અને માંજાના દુકાનો પર રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી કાર્યવાહી દરમિયાન વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા રાજ પતંગ ભંડાર અને ન્યુ વિશાલ પેન્ટ નામની દુકાનમાંથી પતંગના દોરી ઘસવા માટે વાપરવામાં આવી રહેલા કાચના ભુક્કોઓ મળી આવ્યા હતો. જેથી જાહેરનામા ભંગ બદલ સુરત ચોકબજાર પોલીસે રાજ પતંગ ભંડારના માલિક ધર્મેશ પુરુષોત્તમ દેવગાણીયા અને ન્યુ વિશાલ પેન્ટના રમેશ બચુ રાઠોડની ધરપકડ કરી છે.
200 ગ્રામ જેટલા કાચના ભુક્કા જપ્ત
જાહેરનામા ભંગ કરનારા બંને દુકાનમાંથી પોલીસે 200 ગ્રામ જેટલા કાચના ભુક્કા જપ્ત કર્યો છે. આ કાચનો ભૂકો જ્યારે પતંગના દોરી ઉપર લાગે છે. ત્યારે આ જીવલેણ સાબિત થાય છે. આવા દોરી ના કારણે અનેક લોકો મૃત્યું પામ્યા છે. જ્યારે અબોલ પક્ષીઓ પણ એનાથી બચી શકતા નથી.