ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શ્રીજીની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન નહીં થવા દેવામાં આવે. પર્યાવરણને થતા નુકશાન અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ તેના અમલીકરણ કરાવવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. જે માટે દરેક ગણેશ આયોજકોને રૂટ પણ ફાળવી દેવામાં આવ્યાં છે. આયોજકોને રૂટ પ્રમાણે વિસર્જન પક્રિયા હાથ ધરવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. શહેર પોલીસના પર્સનલ કેમેરામેનો પણ વિસર્જન પ્રક્રિયા દરમિયાન અન્ય રૂટ પર ગોઠવવામાં આવશે. ગુરૂવાર સુધીમાં શહેરમાં 17 હજાર જેટલા ગૌરી ગણેશનું વિસર્જન થવાનો પણ અંદાજો સુરત પોલીસે લગાવ્યો છે. આ સાથે જ ગણેશ વિસર્જનમાં 70 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવા ઉપરાંત ગણેશ વિસર્જન પર સેફ સીટી પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.
ઉપરાંત તાજીયા અને ગણેશ વિસર્જનની માહિતી આપતાં ઇન્ચાર્જ પો.કમિશ્નર હરેકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, બંને પર્વને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. સેન્ટ્રલ ગ્રીન ટ્રીબ્યુલના આદેશોનું પણ અમલ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. આગામી વર્ષથી લિંબાયત વિસ્તારના તાજીયા તે જ વિસ્તારમાં ઠંડા કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમા ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 27 તાજીયાનો ઘટાડો થયો છે. શહેરના રસ્તાઓ પર 229 તાજીયાઓ નીકળશે. કતારગામ વિસ્તારમાં આ તમામ તાજીયા એક જગ્યાએ એકઠા થશે, જે અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત બનાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ સાથે SRP અને રેપીડ એક્શન ફોર્સની કંપની પર વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ખડેપગે રહેશે.
ગણેશ વિસર્જનમાં પોલીસ બંદોબસ્ત
- 2 જોઈન્ટ પો.કમી
- 1 એડી.સીપી
- 14 ડીસીપી
- 26 એસીપી
- 62 પીઆઇ
- 281 પીએસઆઇ
- 2800 પો.કો.
- 3850 હોમગાર્ડ
- 8 એસઆરપી કંપની
- 2 રેપીડ એક્શન ફોર્સ
- 1500 ટીઆરબી
મોહરમ નિમિતે સુરત પોલીસ દ્વારા ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે સુરત ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે માર્ગો પરથી તાજીયા પસાર થવાના છે. તેવા તમામ માર્ગો સામાન્ય ટ્રાફિક અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ગણેશ વિસર્જન માટે પણ આ પ્રકારની ટ્રાફીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તાજીયા અંગેની ટ્રાફિક વ્યવસ્થા
રાજમાર્ગ ફક્ત તાજીયા અને જુલુસ માટે ખુલ્લો રહશે
- દિલ્લી ગેટ થી ચોક બજાર ચાર રસ્તા થી શીતળ ચાર રસ્તા થી વેદ દરવાજા થી કતારગામ દરવાજા સુધીનો માર્ગ સામાન્ય માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધ
- ગણેશ વિસર્જન
- રાજમાર્ગ બંધ રહેશે
- રાજમાર્ગ પર જે ખુલ્લી ગલીઓ છે તે પણ સામાન્ય ટ્રાફિક માટે બંધ
- એસ.કે.નગર ચોકડીથી ડુમસ સુધી સામાન્ય ટ્રાફિક પર પ્રતિબંધ
- વાય જંકશનથી આગળ નહીં જઇ શકે
- ફક્ત એરપોર્ટ જનારા યાત્રીઓને મુક્તિ