સુરત: મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારમાં પાણીની અછતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા મૂકવામાં આવ્યા છે. આ વીડિયોમાં સાફ જોવા મળે છે કે, ટેન્કરમાંથી એક પાઈપ મૂકીને પાણી લેવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉભા છે.
આમ તો પાણીની અછત આ વર્ષે નહિવત છે. કારણ કે, સારો વરસાદ અને સુરત મહાનગરપાલિકાએ 24 કલાક પાણી આપવાની ખાતરી આપી છે. તેમ છતાં આ દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષને પાલિકા પર આક્ષેપ કરવાનો મોકો મળી ગયો છે.
આ અંગે અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરતને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. કરોડો રૂપિયા વિકાસના કામો માટે ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં પાણીની અછત લિંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે. આ જ કારણ છે કે, તેમને આ વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે.