સુરત : શહેરના પાંડેસરામાં હાઉસિંગ બોર્ડના આવાસોનું રી-ડેવલપમેન્ટ ઘોંચમાં પડતા ઘરની માંગ સાથે લોકો પ્લેકાર્ડ સાથે બોર્ડની કચેરી પર પહોંચ્યા હતા. પાંડેસરામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગને રી-ડેવલપમેન્ટમાં લઈ ગયા બાદ કોર્ટ કેસ થતા મામલો ઘોંચમાં પડ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી પર મોરચો લઈ જઈ રી-ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવા માટેની માંગ કરી છે.
રી-ડેવલોપમેન્ટ યોજના : ગુજરાત હાઉસિંગ બોર્ડની રી-ડેવલપમેન્ટ યોજના હેઠળ 2020માં પાંડેસરા ખાતે આવેલા આવાસો માટે યોજના લાગુ કરવામાં આવી હતી. જોકે, કેટલાક રહીશો દ્વારા આ યોજનાનો વિરોધ કરીને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલ પર ચુકાદો બાકી હોવાથી રિ-ડેવલપમેન્ટની કામગીરી ઘોંચમાં પડી છે. પરંતુ ઘણો સમય થયો છતાં કામગીરી શરૂ ન થતા સ્થાનિકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ કચે૨ી પ૨ મોરચો માંડ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ : આ બાબતે ઘરની માંગ કરી રહેલા રાકેશ મોદીએ જણાવ્યું કે, આ લોકો દ્વારા પહેલા રી-ડેવલપમેન્ટની કામગીરી કરવા માટે અમારી પાસે સહમતી માંગી હતી. ત્યારબાદ અમારા દ્વારા સહમતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેમના દ્વારા 24 મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આજે 30 મહિના થઈ ગયા છે. પરંતુ અમને હજી સુધી મકાન આપવામાં આવ્યું નથી. તેઓ અમને ઘરનું ભાડું પણ આપે છે. પરંતુ અમને અમારું મકાન જ જોઈએ છીએ. હાઉસિંગ બોર્ડ વાળા કહે છે કે તમે કોર્ટમાં જાઓ, પરંતુ કોર્ટ કહે છે તમારે ખાલી કરવું નહોતું. અમારે ત્યાં 582 માંથી 82 ટકા જેટલી સહમતી આપવામાં આવી છે. કોર્ટમાં કોઈ નિકાલ નથી આવતો કોર્ટમાં તારીખ આપવામાં આવે છે.
ત્રણ વર્ષથી બેઘર : આ બાબતે ઘરની માંગ કરી રહેલી સપના અગ્રવાલે જણાવ્યું કે, અમે અહીં વિરોધ કરી રહ્યા છીએ. કારણ કે અમે અમારું મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડને આપ્યું હતું. કારણ કે તેઓ અમને નવું મકાન આપવાના હતા. પરંતુ અમારું કામ અટકી ગયું છે. લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા અમારો મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડને આપ્યું હતું. અમે ભાડાના મકાનમાં ક્યારે રહ્યા નથી. જન્મથી જ અમે અમારા મકાનમાં રહ્યા છે. લગ્ન પહેલા પણ લગ્ન પછી પણ અમે અમારા ઘરમાં જ રહ્યા છીએ. પરંતુ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ ત્યારે અમને મકાન માલિક ખૂબ જ પરેશાન કરે છે. એના કરતા અમને અમારુ મકાન મળી જાય તો સારું છોકરાઓ પણ કહે છે કે અમને મારા ઘરમાં જવું છે. તેઓની તેમની જૂની યાદો યાદ આવે છે.
ઉગ્ર વિરોધ પ્રદર્શન : સ્થાનિક લોકોએ કહ્યું કે, હાલ હાઉસિંગ બોર્ડ કહે છે કે તમે ત્યાં જાઓ, ત્યાં જાઓ પરંતુ અમે ત્યાં જઈએ ત્યાંથી અમારું કામ અટકી જ જાય છે. જેથી આજરોજ અમે સૌ મળીને ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ મોરચો લઈને આવ્યા છીએ. મકાન મળી જશે તો અમે નવરાત્રી, દશેરા, દિવાળીનો તહેવાર સરળતાથી ઉજવીશું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બે થી ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. નવા મકાન મળી જશે પરંતુ હવે ક્યાં કારણોસર તેઓ ઘર નથી આપતાં તે ખ્યાલ આવતો નથી. પરંતુ કામ પણ અટકાવી દેવામાં આવ્યું છે.