સુરત : માંડવી તાલુકાના ઝરપણ ગામે ખેતરમાં ખોદાયેલ ખાડામાં હાલમાં ભરાયલા પાણીમાં એક યુવતી પડતાં મોત નીપજ્યું હતું. બનેલી ઘટનાને લઈને માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા ઘટનાને લઇને સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
ઘાસચારો લેવા ગયેલા મહિલા : માંડવી પોલીસ સૂત્રો પાસેથી મળેલી અનુસાર માહિતી માંડવી તાલુકાના ઝરપણ ગામે રહેતા વર્ષાબહેન ગામીત ખેતરે ઘાસચારા માટે ગયા હતાં. તે દરમિયાન વર્ષાબહેનનો દીકરા બળદ ચરાવવા ગયો હતો. માર્ગમાં આવતાં ખોદેલ ખાડા નજીક માતાની ચપ્પલ, ઓઢણી અને દાતરડું વગેરે જોવા મળતાં તાત્કાલિક વર્ષાબહેનના પતિને જાણ કરતાં સ્થળ પર પહોંચી તપાસ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.
માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી : વર્ષાબહેન મળી ન આવતાં સમગ્ર ઘટનાની જાણ માંડવી અગ્નિશામકની ટીમને કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મહામહેનતે લાશ મળી આવી હતી. ખેતર વિસ્તારમાંથી માટીખનનથી પડેલા ખાડામાં ભરાયેલ પાણીમાંથી લાશ મળી આવતાં ચક્ચાર મચી ગઈ હતી. હાલ સમગ્ર બનાવને પગલે માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મહિલાનું ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃતક મહિલાના દીકરાએ માંડવી પોલીસ મથકે ફરિયાદ આપી છે...સુરેશભાઈ(બીટ જમાદાર, ઝરપણ વિસ્તાર)
ખાડામાં ડૂબીને બાળકનું મોત : સુરતમાં બનેલ આવા અન્ય બનાવની વાત કરીએ દસ દિવસ અગાઉ માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં બોર કરાવવા માટે ખોદેલ પાણી ભરેલા ખાડામાં અઢી વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. ખાડામાં ભરેલા પાણીને કારણે ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ લાંબા સમયથી ખાડો ન ભરનાર અને બાળકનો ભોગ લેનાર મકાન માલિક સામે કાર્યવાહીની માંગ કરી હતી. કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરિયાદ નોંધી હતી.
પીપોદરમાં બનેલો બનાવ : દસ દિવસ અગાઉ પીપોદરા ગામની સીમમાં આવેલ વિશ્વકર્મા ગલીમાં જય યોગેશ્વર રો હાઉસની સામેના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં રહેતા મકાન માલિક દ્વારા પોતાના ઘરની બહાર બોર કરવા માટે ખાડો ખોદ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ખુલ્લો જ હતો. જેને લઇને આજુબાજુ વિસ્તારના લોકો ખાડો પુરવા માટે વારંવાર મકાન માલિકને કહેતા હોવા છતાં મકાન માલિકે ધ્યાન આપ્યું ન હતું.એવામાં 9 ઓગસ્ટે શૌર્ય શૈલેન્દ્ર મહંતો નામનો બાળક રમતાં રમતાં આ પાણીના ખાડામાં પડી જતાં તેનું ડૂબીને મોત નીપજ્યું હતું.