સુરત : સુરત ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં આવનાર પ્રાણી પ્રેમીઓ માટે ખુશખબર છે કે હવે તેઓને પ્રાણીસંગ્રહાલયની અંદર એશિયાઈ વરુ સાથે તેમના બે બચ્ચાંઓ પણ જોવા મળશે. નેચર પાર્કની અંદર એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે. વર્ષ 2003માં સુરતના સરથાણા વિસ્તાર ખાતે પ્રાણીસંગ્રહાલયમાં પ્રથમવાર જયપુરથી આ વરુની જોડી લાવવામાં આવી હતી. માદા નરને એક સાથે રાખવામાં આવ્યા હતાં. ચોથી જાન્યુઆરીના રોજ માદાએ બે બચ્ચાઓને જન્મ આપ્યો છે અને નેચર પાર્કના અધિકારીઓએ જણાવ્યું છે કે બંને સ્વસ્થ છે.
60 થી 72 દિવસ ગર્ભધારણ માટેનો અંદાજિત સમય : નેચરપાર્ક વચ્ચે વિનિમય કાર્યક્રમ ચાલતો હોય છે. જે અંતર્ગત જુલાઈ મહિનામાં જયપુર નેચર પાર્ક પાસેથી આ એશિયન વરુની જોડી સુરત ખાતે લાવવામાં આવી હતી. તેના બદલામાં સુરત નેચર પાર્ક દ્વારા જયપુરને જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી. વરૂની જોડીને ખાસ પાંજરામાં મૂકવામાં આવી હતી. ઓક્ટોબરથી લઈ જાન્યુઆરી દરમિયાન બ્રીડિંગ સિઝનને ધ્યાનમાં રાખી તેમને પ્રાઇવેસી પણ આપવામાં આવી હતી. 60થી 72 દિવસ ગર્ભધારણ માટેનો અંદાજિત સમય હોય છે જ્યારે માદા વરુ ગર્ભવતી થઈ ત્યારે તેની તકેદારીના ભાગરૂપે તેને પાંજરામાં શિફ્ટ કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં લોકો બચ્ચાંઓને નિહાળી શકશે : સુરત નેચરપાર્કના અધિકારી હીનાબેને જણાવ્યું હતું કે, 4 જાન્યુઆરીના રોજ માદા વરુએ બે દુરસ્ત બચ્ચાંઓને જન્મ આપ્યો છે. તેમની માટે તેમના જ પાંજરામાં બખોલ પણ બનાવવામાં આવી છે હાલ બંને બચ્ચાઓની આંખ ખુલી ગઇ છે અને ટૂંક સમયમાં લોકો આ બચ્ચાંઓને જોઈ શકશે. વરુ પોતાના બચ્ચાંઓ પાસે કોઈને જવા દેતી પણ નથી.