સુરત : અરેઠના ગ્રામજનોએ સ્ટોન ક્વોરીના કારણે ગામને થઇ રહેલી પર્યાવરણીય સમસ્યાઓની પહેલાં પણ રજૂઆતો કરી છે જોકે તે વ્યર્થ જ રહી છે. ત્યારે અરેઠના 1000થી વધુ ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સાથે ચીમકી પણ આપી હતી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
રોજેરોજ ભૂકંપનો અનુભવ : માંડવી તાલુકાના અરેઠગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન ક્વોરીને લઈ પરેશાન થઈ ચૂક્યા છે. ક્વોરી દ્વારા કરવામાં આવતા આડેધડ બ્લાસ્ટને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લાસ્ટને લઈ ગ્રામજનોને રોજેરોજ ભૂકંપનો અનુભવ થઇ રહ્યો છે.
5 સ્ટોન ક્વોરીઓ : અરેઠ ગામની આજુબાજુમાં 5 સ્ટોન ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરી દ્વારા પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે. પહેલા દિવસ દરમ્યાન એક વાર સામાન્ય બ્લાસ્ટ કરવામાં આવતો હતો. પરંતુ હવે 100 - 100 ફૂટ ડ્રિલ કરીને વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે. જેને લઈ ગામમાં ધરતીકંપ અનુભવાય છે.,બ્લાસ્ટ ને કારણે ઘરની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. કાચા ઘરોના નળિયાં અને પતરાઓ બ્લાસ્ટિંગથી ઉડીને પડતા પથ્થર પડવાના કારણે તૂટી જાય છે અને પાણીનું સ્તર પણ નીચું જઈ રહ્યું છે.
રસ્તા રોકો આંદોલનની ચીમકી : સ્ટોન ક્વોરીના વિરોધમાં લડત આપી રહેલા ગ્રામજનો દ્વારા માંડવી ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીસ્વરુપેે માંડવી મામલતદાર તેમજ માંડવી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. માંડવી મામલતદાર મનીષ પટેલે આવેદનને લઇને જણાવ્યું હતું કે અરેઠ ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે આરેઠ ગામમાં ચાલી રહેલ કવોરીઓને લઈને તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવારનવાર હળવા આંચકો અનુભવાઇ રહ્યા છે.