સુરત : આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભક્તો ભક્તિભાવ સાથે શ્રાવણ માસની ઉજવણી કરશે. હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણમાં કૃષ્ણ પક્ષમાં એકમનો ક્ષય અને અમાસની વૃદ્ધિતિથિનો સંયોગ પણ જોવા મળશે.ત્યારે સુરતમાં શિવ મંદિરોમાં પણ શિવ ભક્તિની લહેર જોવા મળી રહી છે.
અમાસની વૃદ્ધિતિથિનો સંયોગ : સદાશિવના ભક્તો શિવ ભક્તિના મહિના તરીકે ઓળખાતા શ્રાવણની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આજે પ્રથમ સોમવાર વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં દર્શનાર્થે પહોંચતાં જોવા મળ્યાં હતાં. ભારતીય પરંરા પ્રમાણે હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણમાં કૃષ્ણ પક્ષમાં એકમનો ક્ષય અને અમાસની વૃદ્ધિતિથિનો સંયોગ પણ જોવા મળશે. જોકે અધિક શ્રાવણને કારણે હવે વિવિધ તહેવારો પણ 19 થી 20 દિવસ મોડું થઇ ગયું છે.
અધિક માસમાં વિષ્ણુની પૂજાઅર્ચના : ઉલ્લેખનીય છે, છેલ્લા એક માસથી અધિક શ્રાવણ માસમાં પુરુષોત્તમ માસ હોવાને લઇને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાનો દોર જોવા મળ્યો હતો. જોકે, હવે મઘા નક્ષત્ર અને પરિધ યોગમાં ગત ગુરુવારથી નિજ શ્રાવણનો આરંભ થઇ ગયો છે. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે આ સમય દરમિયાન સમુદ્રમંથન થયું હતું તે સમય દરમિયાન પણ શ્રાવણ માસ ચાલી રહ્યો હતો. જે બાબતે સુરતના શ્રી મહાકાલ ભૈરવ મંદિરના પૂજારીએ વધુ પ્રકાશ પાડ્યો હતો.
જ્યારે પણ આ સૃષ્ટિમાં સમુદ્ર મંથન થયું હતું ત્યારે મેરુ પર્વત ઉપર સાપની દોરી બનાવવામાં આવી હતી. તે સમય દરમિયાન દેવ અને દાનવોની વચ્ચે અમૃત માટે ઘર્ષણ થયું હતું ત્યારે સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા હતાં. તેમાં સૌપ્રથમ વખત તો વિષ નીકળ્યું હતું. તે વિષને ભગવાન શંકરજીએ પોતે પી લીધું હતું. પરંતુ તે વિષ હોવાના કારણે પોતાના કંઠ સુધી જ રાખ્યું હતું જેથી તેમનું નામ નીલકંઠ પણ નામ આપવામાં આવ્યું છે. જે સમય દરમિયાન આ સમુદ્ર મંથન થયું હતું તે સમય દરમિયાન પણ શ્રાવણ માસ ચાલી રહ્યો હતો. મહાદેવે વિષપાન કર્યું હોવાના કારણે દેવો અને દાનવોને જે વસ્તુ મળ્યું હતું પાણી, દૂધ, આકડો, ધતુરો, તમામ વસ્તુઓ મહાદેવની ઉપર ચઢાવવા લાગ્યા હતાં. જેથી વિષની ગંધ દૂર થઇ શકે એટલે જ જે વસ્તુ હાથમાં આવી તેનાથી અભિષેક કરવા લાગ્યા હતાં...અભિષેક ઓઝા (શ્રી મહાકાલ ભૈરવ મંદિર)
શ્રાવણ માસમાં ચાર સોમવાર : આ મહિનામાં સૌ શિવભક્તો યથાશક્તિ અને મતિ પોતાના ઘરમાં તેમ જ મંદિરમાં જઇને પોતપોતાની રીતે પૂજા અર્ચના કરે છે તેઓને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અભિષેક ઓઝાએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારે વિવિધ ચીજવસ્તુઓથી અભિષેક કરવાથી મહાદેવ શાંત થયાં હતાં. તે આખો મહિનો શ્રાવણ માસ હતો. હવે જે આ શ્રાવણ માસમાં ચાર સોમવાર આવી રહ્યા છેે તેમાં બધા ભાવિક ભક્તો પોતપોતાની રીતે પૂજા અર્ચના કરે છે તેઓને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ શ્રી મહાકાલ ભૈરવ મંદિરમાં જે ભક્તો આવે છે તેમનું દુઃખદર્દ ભગવાન તત્કાલ હરનાર તેવા મહાદેવ અહીં સ્થાપિત છે.