સુરત : સુરત શહેરના ભેસાણ રોડ મેડિકલ કોલેજની બાજુના ખુલ્લા મેદાનમાં 7 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ પડી ગઈ હતી. જેને લઇને લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાલનપુર ફાયર વિભાગના જવાનોની 1 કલાકની ભારે જહેમત બાદ ભેંસને 7 ફૂટ ઊંડા ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
સ્થાનિકોેએ ભેંસ ભાંભરતી સાંભળી : સવારે જાગેલા સ્થાનિકોને ભેંસનો ભાંભરવાનો અવાજ સંભળાયો હતો. જેથી આજુબાજુમાં તપાસ કરતાં ભેંસ ખાડામાં પડેલી જણાઇ આવી હતી. ત્યારબાદ ભેંસના માલિકને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતાં. ભેંસ માલિકે ભેંસને બહાર કાઢવા કરેલો પ્રયત્ન નિષ્ફળ થતાં અંતે સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ભેંસ માલિકનો પ્રયત્ન સફળ ન થયો : ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે રાત્રે દોરડું તોડીને ભેંસ તબેલામાંથી નીકળી ગઇ હતી. જે સવારે ખાડામાં પડેલી હાલતમાં મળી આવી હતી. પહેલાં તો ભેંસના માલિકે સ્થાનિકોના મદદથી ભેંસને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો હતો, જોકે તેમાં સફળ થવાયું ન હતું. જે બાદ સુરત ફાયર વિભાગને જાણ કરીને ભેંસને ખાડામાંથી બહાર કાઢવા માટે મદદ માગવામાં આવી હતી.
પાલનપુર ફાયર વિભાગની ટીમ પહોંચી : ભેંસને ખાડામાંથી બહાર કાઢવા માટેના રેસક્યૂ કોલ સાથે જ પાલનપુર ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ફાયરના જવાનોએ ભેંસને કોઇ રીતે બહાર કાઢવા પ્રયત્નો શરુ કર્યાં હતાં. ત્યારે એક કલાક બાદ 7 ફૂટ ઊંડા ખાડામાંથી ભેંસને બહાર કાઢવામાં સફળ થયાં હતાં.
અમને આજે સવારે 7:15 વાગે ફાયર કંટ્રોલ દ્વારા આ કોલ આપવામાં આવ્યો હતો. ભેસાણ રોડ મેડિકલ કોલેજની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનના ખાડીમાં એક ભેંસ પડી ગઈ છે. જેથી અમે ત્યાં પહોંચ્યાં હતાં. ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ત્યાં જઈને જોયું તો 7 ફૂટ ખાડામાં ભેંસમાં પડી ગયેલી હાલતમાં હતી. તેને અમારા 6 જવાનોએ દોરડું બાંધી બહાર લાવવામાં આવી હતીં...ગિરીશ સેલર (ફાયર ઓફિસર, પાલનપુર ફાયર વિભાગ)
પશુપાલકોની બેજવાબદારી : ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પશુપાલકોની બેજવાબદારીના કારણે ક્યારેક પશુઓને કારણે રોડ પર વાહન અકસ્માત થાય છે તો ક્યારેક પશુઓ ખાડામાં પડતા હોય છે. જેનાથી લોકો અને સરકારી વિભાગો હેરાનપરેશાન થાય છે. રોજ વહેલી સવારે પશુપાલકો પોતાના પશુઓને ખુલ્લા મૂકી દે છે અને બપોરે તબેલામાં બાંધી સાંજે પાછા છોડી દે છે.