સુરત : 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે સુરતમાં આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવવા માટે 51 જેટલી મહિલાઓએ હાથમાં મહેંદી સ્વરૂપ રામાયણના 51 પ્રસંગોએ મહેંદીના માધ્યમથી કંડારી છે. ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની આસ્થા અને રામાયણમાં વિશ્વાસને ધ્યાનમાં રાખી સુરતની 51 જેટલી મહિલાએ હાથ પર રામાયણના 51 પ્રસંગોને ચોપાઈની સાથે કંડારી હતી.
રામાયણના પ્રસંગો કંડાર્યાં : કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મહેંદી લગાવતી હોય છે. વાત જ્યારે ભવ્ય રામ મંદિરની થાય ત્યારે આ પ્રસંગને ભવ્ય અને અતિભવ્ય તરીકે ઉજવવા માટે દેશભરના લોકો આતુર છે. તેના જ ભાગરૂપે સુરત શહેરમાં 51 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં રામાયણના પ્રસંગોને મહેંદીના માધ્યમથી જીવંત કર્યાં છે. 500 વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ધાર્મિક ગ્રંથ છે જે માનવ જીવનના નૈતિકતા માનવીય મૂલ્યનું દર્શન કરાવે છે. તેને મહેંદી કલાના માધ્યમથી તાવ માટે સુરતની 51 જેટલી મહિલાઓએ એક જ સમયે મહેંદી મૂકાવી હતી.
રામાયણના 51 પ્રસંગો : મહેંદી આર્ટીસ્ટ નિમિષાએ જણાવ્યું હતું કે, વારલી આર્ટના માધ્યમથી અમે મહેંદીની રચનામાં રામાયણ 51 મહિલાઓના હાથમાં કંડારી છે. દરેક વ્યક્તિ માટે ભવ્ય રામ મંદિર ધાર્મિક અને લાગણીનો વિષય છે. રામાયણના 51 પ્રસંગો ખાસ કરીને રામના જન્મ પહેલાથી લઈ રાવણ દહન સુધીના પ્રસંગ આ મહેંદીની રચનામાં જોવા મળશે. ચિત્રો જ નહીં, દરેક ચિત્રો સાથે ચોપાઈ પણ ઉલ્લેખિત કરવામાં આવી છે. આમ તો મહેંદી હથેળીમાં લગાવવામાં આવતી હોય છે. પરંતુ અમે ખાસ કાળજી લીધી છે જેથી કોઈની લાગણી ન દુભાય. જેથી હથેળીની ઉપર હાથમાં મહેંદી અમે લગાવી છે.
રામ ભગવાનના આગમનને લઈ ઉત્સાહિત : વર્ષાબેન લાખાણીએ જણાવ્યું હતું કે, મારી મહેંદીની ખાસિયત છે કે મહેંદીમાં અહિલ્યાજી છે જેમને શ્રાપ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં કઈ રીતે ભગવાન રામ અહિલ્યાનો ઉદ્ધાર કરે છે તે જોવા મળે છે. રામ ભગવાનના આગમનને લઈ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને પોતાની ખુશી મહેંદીના માધ્યમથી જતાવી રહ્યા છીએ.
આ ખૂબ જ મોટો ઉત્સવ : જીનલ સવાણીએ જણાવ્યું હતું કે, મારી મહેંદીમાં જોવા મળશે કે કઈ રીતે ભગવાન હનુમાન મુદ્રિકા લઈને લંકા જાય છે. સાથે ચોપાઈ પણ જોવા મળશે. અમે ભગવાન રામના આગમનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. હિંદુ ધર્મના લોકોને અનુભવ થઈ રહ્યું છે કે આ ખૂબ જ મોટો ઉત્સવ છે. ખુશી ચાપાનેરિયાએ જણાવ્યું હતું કે, જટાયુ કઈ રીતે સંઘર્ષ કરે છે તે મહેંદીના માધ્યમથી હાથમાં દર્શાવ્યું છે. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. જ્યારે શુભ પ્રસંગ હોય છે ત્યારે અમે મહેંદી કંડારતા હોઈએ છીએ. રામ મંદિર પણ અમારી માટે સૌથી મોટો ઉત્સવ છે. તો કિરણે જણાવ્યું હતું કે, ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે અને અમે દરેક શુભ પ્રસંગમાં મહેંદી લગાવતા હોઈએ છે અને રામ મંદિર અમારી માટે સૌથી શુભ પ્રસંગ છે. મારા હાથમાં રાવણ સીતાહરણ કરી રહ્યો છે તે દર્શાવ્યું છે.