સુરત : વર્લ્ડ ક્લાસ ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ પીએમ મિત્ર પાર્કમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને ઉપલબ્ધ થશે. એક જ જગ્યાએ વિવિંગ, સ્પિનિંગ અને ડાઇન/પ્રોસેસિંગ તેમજ પ્રિન્ટિંગ, ગારમેન્ટિંગ સહિતની તમામ ચેઈન ઉપલબ્ધ થઈ જશે. જે માટે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ એમઓયુ થયાં હતાં.
1141 એકરમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક : પીએમ મિત્ર પાર્કના નિર્માણ માટે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર વચ્ચે આ એમઓયુ કરાયાં છે. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યાં હતાં. આ એમઓયુ બાદ હવે નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થશે.
જે રીતે સુરતનો વિકાસ થઇ રહ્યો છે તે એક મોડેલ રૂપ છે. ચોમુખી વિકાસનો લાભ ગુજરાતને 23 વર્ષથી મળી રહ્યો છે. આખું વિશ્વ આશ્ચર્યચકિત છે કે ભારત કઈ ગતિથી આગળ વધી રહ્યું છે. ભારત મૂળના લોકોનું કોઈ સન્માન ન હતું અને વિશ્વસનીયતા ઓછી થઈ રહી હતી. 2013માં ભારતમાં વિશ્વની 5 નબળી અર્થવ્યવસ્થા માનવામાં આવતી હતી. 9 વર્ષના નાના કાર્યકાળમાં આજે PM મોદીના નેતૃત્વમાં આજે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થામાં આજે આપણે 5માં ક્રમે છે. આગામી 5 વર્ષમાં ભારત વિશ્વની મોટી 3 અર્થવ્યવસ્થામાં એક હશે...પીયૂષ ગોયલ(કેન્દ્રીયપ્રધાન)
દેશના 7 રાજ્યોમાં પીએમ મિત્ર પાર્ક : મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ પાર્કનું દેશના 7 રાજ્યમાં નિર્માણ થશે. આમાં ગુજરાતમાં નવસારી જિલ્લામાં આ મેગા પાર્ક ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપશે. અનુમાન છે કે આ પાર્કની સ્થાપના બાદ આશરે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ રોજગારી મળી શકે છે. સાથે ટેક્સટાઇલ ઉદ્યોગો દ્વારા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરી શકાશે.
મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડનું સપનું સાકાર : આ એમઓયુ પ્રસંગે ઉપસ્થિત રહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યનાં કરોડો નાના મોટા ખેડૂતોને આ પાર્કનો લાભ મળશે. હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. 2025 સુધીમાં 250 મિલિયન ડોલરની ઇકોનોમી બનવાની છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડનું સપનું સાકાર થશે. તેમણે આ પાર્કમાં આવનારા તમામ ઉદ્યોગકારોને સફળતા માટે શુભેચ્છાઓ.પાઠવી હતી.