સુરત: કહેવાય છે કે જે હજાર શબ્દો પણ જે ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતા તે એક પેઇન્ટિંગ કરી દે છે. સુરત સબજેલમાં યોજાયેલું ચિત્ર પ્રદર્શન પણ જેલની અંદર રહી બહારની દુનિયા અંગે કેદીઓની એક એક પેઇન્ટિંગ અનેક ભાવનાઓને વ્યક્ત કરે છે. એક એક પેન્ટિંગ અનેક વાર્તાઓ કહે છે કે કઈ રીતે જેલની અંદર રહી રહેલા કેદી પોતાના કૃત્યને લઈ પશ્ચાતાપ કરી રહ્યા છે. તમામ પેઇન્ટિંગ પ્રોફેશનલ કલાકારને પણ ટક્કર આપે એવી છે.
130 પેઇન્ટિંગ એક્ઝિબિશન : સુરત શહેરના વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં હાલ સબજેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી 130 પેઇન્ટિંગ જોઈ શહેરીજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે આવી પેઇન્ટિંગ કોઈપણ કેદીઓ બનાવી શકે તે આજ દિન સુધી કોઈએ વિચાર્યું ન હતું. પ્રથમવાર હશે કે આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએ કેદી દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. ચાર દિવસ સુધી સુરતના લોકો આ પેઇન્ટિંગ એકસાથે નિહાળી શકશે. જો પસંદ પડે તો ખરીદી પણ શકાશે. આ વેચાણથી થતી આવક કેદી વેલફેર ફંડમાં જશે અને કેદીના પરિવારને પણ અપાશે.
જેલની અંદર કારાવાસ ભોગવી રહેલા કેદીઓનું સ્કીલ ડેવલપમેન્ટ થાય અને તેઓ આત્મનિર્ભર બની શકે આ હેતુથી અનેક પ્રવૃત્તિઓ જેલની અંદર થતી હોય છે. જેલની અંદર અને કેટલાક કેદી હાલ પેઇન્ટિંગ શીખી રહ્યા છે. જેમાંથી 130 જેટલી પેઇન્ટિંગ હાલ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. પેઇન્ટિંગ એક્ઝિબિશનથી જે આવક થશે તે કેદીઓના પરિવારને અને કેદી વેલ્ફેર ભંડોળમાં આપવામાં આવશે...જશુભાઈ દેસાઈ(સુરત સબજેલ)
સુરત સબ જેલમાં યોજાયું : કેદીઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈ હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત રાજનેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહની તસવીર બનાવી છે. ધાર્મિક સ્પોર્ટ્સ અને અન્ય અલગ અલગ ક્ષેત્રથી સંકળાયેલી આ તસ્વીરો ખૂબ જ મનમોહક છે.
પેઇન્ટિંગના માધ્યમથી સંદેશ : 130 પેઇન્ટિંગમાંથી 23 પેઇન્ટિંગ બનાવનાર જીતેન્દ્ર મોર્યાએ જણાવ્યું હતું કે તેઓ હત્યાના કેસમાં છેલ્લા 17 વર્ષથી કારાવાસ ભોગવી રહ્યા છે. તેમને આજીવન કેદની સજા ફટકારાઇ છે. નાનપણથી જ તેમને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે.
પેઇન્ટિંગ કેદીના આઝાદીના વિચારને લઈને બનાવવામાં આવી છે. કોઈપણ પરિવારનો વ્યક્તિ જેલમાં જાય તો સજા આખા પરિવારને થતી હોય છે. જેલમાં જનાર વ્યક્તિ કરતાં તેના પરિવાર વધારે દુઃખી થાય છે. આ પેઇન્ટિંગના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીશું કે ભૂલથી પણ કોઈ ભૂલ લોકો ન કરે... જીતેન્દ્ર મોર્યા(કેદી)
પેઇન્ટિંગમાં શું દર્શાવ્યું : તેમનું જે પેઇન્ટિંગ છે તેમાં જોઈ શકાય છે કે એક પેઇન્ટર પેઇન્ટિંગ કરી રહ્યો છે પેન્ટિંગમાં જે કેદી છે એ કબૂતરના રૂપમાં છે. એક કબૂતર મૃત્યુ પામે છે. જેલમાં રહેનાર અનેક એવા લોકો છે જે સજા દરમિયાન જ મૃત્યુ પામી જાય છે. બીજા અન્ય કબૂતર પણ ઉડવા માંગે છે એટલે જેલથી આઝાદ થવા માંગે છે. સાથે વૃદ્ધ માતાપિતાને પણ બતાવવામાં આવ્યા છે કે જે કેદીના માતાપિતા છે અને પોતાના પુત્રની રાહ જોઈ રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી પેઇન્ટિંગ : અન્ય કેદી અનવર મલિકે જણાવ્યું હતું કે, તેઓ મૂળ ભરૂચના રહેવાસી છે. પરંતુ હત્યાના કેસમાં છેલ્લા 24 વર્ષથી જેલવાસ ભોગવી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી તેઓએ પેઇન્ટિંગ તૈયાર કરી છે. વર્ષ 1947થી લઈ 2022 સુધી દેશમાં કયા કયા પરિવર્તન આવ્યા છે તે અંગેની એક પેઇન્ટિંગ તૈયાર કરી છે. જેમાં ભારતના નાગરિક જે છત્રી લઈને ઉભો છે તેને તિરંગા કલર આપવામાં આવ્યો છે. ગામ કઈ રીતે શહેરમાં બદલાઈ ગયા છે તે આ પેઇન્ટિંગમાં જોવા મળે છે. તેઓ જેલની અંદર અન્ય કેદીઓને પેઇન્ટિંગ કરતાં શીખવાડે છે.
- Painting Competition: અમદાવાદની પોળોનું સપ્તરંગી રંગોમાં સર્જન, લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં કલાકારોએ દોર્યા લાઈવ ચિત્રો
- National Painting and Sculpture Camp: લલિત કલા એકેડમી દિલ્હી દ્વારા પોરબંદરમાં નેશનલ પેઇન્ટિંગ તથા સ્કલ્પચર કેમ્પ યોજાયો
- વડોદરામાં અદભૂત પેઇન્ટિંગ એક્ઝિબિશન, મનુષ્યના વિવિધ હાવભાવ ગાયના માધ્યમથી દર્શાવ્યા