સુરત : સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના છઠ સરોવર ગાર્ડનમાં મુસ્લિમ સમાજના બે લોકો દ્વારા નમાજ અદા કરતા મામલો વિવાદમાં આવ્યો છે. ગાર્ડનમાં નમાઝ અદા કરતા હોય તેનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા હિન્દુ સમાજના સંગઠન રોષે ભરાયા હતા અને બીજા દિવસે ગાર્ડનમાં પહોંચીને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને ગંગાજળથી જે તે સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.
નમાજ અને બાદમાં શુદ્ધિકરણ : સુરત મહાનગરપાલિકાના છઠ સરોવર ગાર્ડનમાં મુસ્લિમ સમાજના બે લોકો દ્વારા નમાઝ અદા કરવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વિડીયો સુરત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ બજરંગ સેના નામની હિન્દુ સંસ્થા દ્વારા જ્યાં નમાઝ અદા કરવામાં આવી હતી ત્યાં ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના સભ્યોએ આ જ સ્થળે એકસાથે હનુમાન ચાલીસાનો પણ પાઠ પણ કર્યો હતો.
ષડયંત્ર ગણાવાયું : આ પાછળનો તર્ક આપવામાં આવ્યો છે કે, અહીં દર વર્ષે છઠ પૂજા થાય છે, જેથી આ જ સ્થળે નમાજ કરવી યોગ્ય નથી, બીજી બાજુ હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ આખું ષડયંત્ર છે. કારણ કે થોડાક દિવસ પહેલા આ જ ગાર્ડનમાં હિન્દુ યુવતીને બહેલાવી ફોસલાવીને લાવવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે બે વિધર્મીઓની ધરપકડ પણ કરી હતી.
એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા છઠ સરોવર ગાર્ડનમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અમે બીજા દિવસે તે અંગેની તપાસ કરી અને ખાતરી કર્યા બાદ ત્યાં અમારા બજરંગ સેનાના 108 કાર્યકર્તાઓએ એકસાથે પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આશરે 540 વખત હનુમાન ચાલીસાનો પાઠ ત્યાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ગાર્ડનમાં દર વર્ષે છઠ પૂજા કરવામાં આવે છે જેથી અમે ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ પણ કર્યું છે...પ્રેમપ્રકાશ ત્રિપાઠી(બજરંગ સેનાના જિલ્લા મંત્રી)
ખાણીપીણીની વસ્તુઓ અને ગિફ્ટ મળી આવી હતી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ ગાર્ડનમાં ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે. અગાઉ પણ એક હિન્દુ યુવતીને ચાર વિધર્મી યુવક આ ગાર્ડનમાં લઈ આવ્યા હતાં જેની જાણ અમને થઈ હતી. અમે લોકોએ તપાસ કરી તો તેમની પાસેથી ખાણીપીણીની વસ્તુઓ અને ગિફ્ટ મળી આવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, આ વિધર્મી યુવકો બહેલાવી ફોસલાવી લાવ્યાં હતાં. અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસે બે લોકોની ધરપકડ પણ તે સમયે કરી. અમે પ્રશાસનને કહેવા માંગીશું કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
ચેતવણી પણ આપી : સાથે પ્રેમપ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમે ચેતવણી આપીએ છીએ કે તેઓ નિયમ પ્રમાણે રહે અને આવી રીતે ષડયંત્ર ન કરે. અથવા તો આવનાર દિવસોમાં જે પણ કાયદેસરની કાર્યવાહી હશે તે અમે કરીશું અને તંત્રને પણ જણાવવા માંગીશું કે ત્યાં પોલીસના કર્મચારીઓ મૂકવામાં આવે જેથી આવી હરકતો આ લોકો નહીં કરે.