સુરત : રાજસ્થાની આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા પર્શિયન અને મુઘલકાલ સમયના મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ જે મ્યુઝિયમમાં જોવા મળે છે, તે શીખવાની તક હાલ સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા ફાઈન આર્ટસ સ્ટુડન્ટ્સને મળી રહી છે. મીનિયેચર આર્ટ માટે જાણીતાં રાજસ્થાન જયપુરના શર્મા દંપતિ દ્વારા સુરતના વિદ્યાર્થીઓને આ આર્ટ શીખવવામાં આવી રહી છે. કઈ રીતે ખડિયાથી તૈયાર અને વનસ્પતિ ઔષધિથી તૈયાર કલરનો ઉપયોગ કરીને આ મીનિયેચર પેઇન્ટિંગ બનાવવામાં આવે છે તેની બારીકાઈ કળાપિપાસુઓને શીખવાડવામાં આવી રહી છે.
ન્યૂ એજ્યુકેશન પોલીસીના નેજા હેઠળ ભારતીય પરંપરાને દર્શાવવા માટે આ વર્કશોપનું આયોજન કર્યું છે. જે મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ છે તે ભારતીય પરંપરાની એક આગવી ઓળખ રહી ચૂકી છે. ઇન્ટરનેશનલ કક્ષાના આર્ટિસ્ટ દ્વારા આ આર્ટ અંગે જાણકારી મળી રહે આ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેકલ્ટીના 100થી પણ વધુ વિદ્યાર્થીઓ હાલ આ મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ શીખી રહ્યા છે...મેહુલ પટેલ(કોર્ડીનેટર, વીએનએસજીયુના ફાઈન આર્ટ્સ)
આ આર્ટ ફોર્મ ખૂબ જ દુર્લભ : હાલના દિવસોમાં મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ મોટાભાગે મ્યુઝિયમમાં જોવા મળે છે. આ આર્ટ ફોર્મ ખૂબ જ દુર્લભ હોય છે. કારણ કે તેની અંદર ખૂબ જ બારીકાઈથી કામ કરવાનું હોય છે. સૌથી અગત્યની વાત છે કે આ મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ રાજસ્થાનના આર્ટિસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવે છે. જેમાં એક નામ શર્મા દંપતિનું છે. અજય શર્મા અને તેમની પત્ની વિનીતા શર્મા મીનિયેચર પેઇન્ટિંગ આર્ટ માટે ઘણા દેશોમાં પ્રખ્યાત છે તેઓ આ આર્ટ ફોર્મ શીખવાડવા પેરિસ લંડન જેવા દેશોમાં જતા હોય છે.
વીએનએસજીયુના ફાઈન આર્ટ્સને લાભ : તેઓ સુરતમાં વીએનએસજીયુના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓને આ આર્ટ શિખવાડી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે કે આ પેઇન્ટિંગ બનાવવા માટે તેઓ પરંપરાગત નેચરલ પેઇન્ટ વાપરે છે. તેઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખડીયા, માટી, પેવડી, ગેરુ, કાજલ, સ્ટોન પીગમેન્ટ તથા આયુર્વેદિક તેમજ વનસ્પતિઓથી કલર બનાવે છે. પેઇન્ટિંગમાં તેઓ કોઈપણ પ્રકારના કેમિકલ ઉપયોગમાં લેતા નથી. એટલું જ નહીં હિલકેરી જેને લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ખડિયા એક સોફ્ટ સ્ટોન હોય છે જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં મળે છે.. અમે ત્યાંથી આ ખડીયાને લઈને આવીએ છીએ. અને તેનાથી રંગ બનાવીએ છે. અમે મોટાભાગે નેચરલ કલર જ વાપરીએ છીએ. તેમાં વનસ્પતિ અને આયુર્વેદિક જે ઔષધિ હોય છે તેના પણ રંગ આ મીનિયેચર પેન્ટિંગમાં વાપરવામાં આવે છે. આયુર્વેદિક ડોક્ટરો જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેતા હોયએ છીએ અમે તેને પેઇન્ટિંગમાં વાપરીએ છીએ...અજય શર્મા (મીનિયેચર આર્ટિસ્ટ)
ખડિયા બેઝ કલર : આર્ટિસ્ટ અજય શર્માએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. અમે મીનિયેચર આર્ટિસ્ટ છીએ. 1979 થી આ આર્ટથી જોડાયેલા છીએ. 1989માં સ્ટુડિયોની શરૂઆત કરી હતી. આ ભારતીય ટ્રેડિશનલ મીનિયેચર પેઇન્ટિંગ છે. આજે પણ રાજસ્થાનમાં ઘણા આર્ટિસ્ટ છે જેઓ ખડિયા બેઝ કલર વાપરે છે.
30 વર્ષથી શીખવે છે આર્ટ : જ્યારે આર્ટિસ્ટ વિનીતા શર્માએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી મીનિયેચર આર્ટ બનાવું છું. અમે માત્ર ભારત જ નહીં પરંતુ ભારતની બહાર પણ આ આર્ટ શિખવવા માટે જઈએ છીએ.
દર વર્ષે અમે લંડન, પેરિસ, ઓસ્ટ્રેલિયા અને ઈસ્લામિક દેશોમાં પણ જતા હોઈએ છીએ. આવનાર દિવસોમાં અમે સિંગાપુર જઈશું. અલગ અલગ દેશોમાં અમે આ પેઇન્ટિંગ શીખવાડવા માટે જઈએ છીએ. ત્યાં અમારા આ આર્ટને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દેશના લોકો પાંચથી સાત દિવસમાં મીનિયેચર આર્ટિસ્ટ તો નથી બની શકતાં, પરંતુ તેઓ અમારા આર્ટ ફોર્મને શીખે છે...વિનીતા શર્મા (મીનિયેચર આર્ટિસ્ટ)
સિનિયર આર્ટિસ્ટ પાસેથી શીખવાની તક : વીએનએસજીયુના ફાઈન આર્ટ્સ વિદ્યાર્થીની યુક્તા વેરડીયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાની ટ્રેડિશનલ મીનિયેચર પેઇન્ટિંગ શીખવાડવા માટેની પહેલ કરવામાં આવી છે. નેચરલ કલરનો વપરાશ કરીને કઈ રીતે આ આર્ટ ફોર્મ બનાવવામાં આવે છે તે અમે શીખી રહ્યા છીએ. તેમાં મહત્ત્વની વાત છે કે અમે બે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટના નેજા હેઠળ આ શીખી રહ્યા છીએ. વડોદરા અને અન્ય મ્યુઝિયમમાં આવું જ આર્ટ ફોર્મ અમે જોઈ ચૂક્યા છીએ પરંતુ ક્યારેય શીખવાની તક મળી નહોતી. આજે સિનિયર આર્ટિસ્ટ પાસેથી આ શીખવાની તક મળી છે.