સુરત: અસ્થમાની નાનકડી બીમારીને કારણે સુરતના હોટલ મેનેજમેન્ટ કરનારા યુવકને એક ક્રુઝ કંપનીએ નોકરી માટે તમામ લાયકાત હોવા છતાં નોકરી આપી ન હતી. આ જ યુવકે નાસીપાસ થવાની જગ્યાએ રોડ પર ખુદનો ફાસ્ટફૂડ સ્ટોલ શરૂ કરી યુવકોને નવી રાહ ચીંધી છે. પોતાની પાસે ઈનહેલર રાખીને તે લોકોને અલગ અલગ ફાસ્ટ ફૂડની વાનગીઓ પીરસે છે.
હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો : આપણે વાત કરી રહ્યા છીએ સુરતના 26 વર્ષીય અંકિત સિંગની. તેમનો જન્મ અને ઉછેર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પરંતુ હોટલમાં સારી પોસ્ટ પર કામ કરવાનું બચપણનું સ્વપ્ન લઈને અંકિત સિંગ સુરત પહોંચ્યા. સુરતમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા બાદ ગોવામાં ટ્રેનિંગ લીધી ત્યારબાદ પાંચ સિતારા હોટલોમાં પણ કામ કર્યું.
અંતિમ પડાવ પર આવી સમસ્યા : અંકિત સિંગે જણાવ્યું હતું કે તે વ્યક્તિગત વિકાસની સાથે સાથે હોટલના ઉચ્ચ હોદ્દા પર કામ કરવા માંગતા હતા. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હંમેશા તનતોડ મહેનત કરતા અંકિતે એક વખત ઇન્ટરનેશનલ ક્રુઝમાં નોકરી માટે અરજી કરી. તેમની અરજી સ્વીકારવામાં આવી અને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવ્યાં. નોકરી માટેની જરૂરી તમામ પ્રક્રિયાઓમાં તેઓ સફળ રહ્યાં. પરંતુ જ્યારે નોકરી માટેનો અંતિમ પડાવ મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા આવી ત્યારે અંકિત સિંગના પગ તળેથી ધરતી ખસી ગઈ. તેમનું સ્વપ્ન ત્યાં જ ચકનાચુર થઈ ગયું. મેડિકલ રિપોર્ટમાં અસ્થમાની બીમારી હોવાનું ફલિત થતા તમામ પ્રક્રિયા સારી રીતે ઉત્તીર્ણ કરી હોવા છતાં અંકિત સિંગને નોકરી પર લેવાની ક્રુઝના અધિકારીઓએ સ્પષ્ટ ના કહી દીધી.
સેલેરી જેટલી કમાણી તો નથી થઈ શકતી, પણ સંતોષકારક આવક મળી રહે છે. ગ્રાહકોનો સંતોષ જ મારા માટે સાચી કમાણી છે. આ બિઝનેશને આગળ વધારવા હજુ વધુ મહેનત અને લગનથી કામ કરવું પડશે...અંકિત સિંગ (આત્મનિર્ભર યુવક )
સ્વપ્ન ચકનાચૂર : બચપણથી જોયેલા સ્વપ્નને માત્ર એક નાનકડી બીમારીને કારણે ચકનાચૂર થઈ જતાં જોઇ થોડા સમય માટે અંકિત સિંગ તણાવમાં પણ આવી ગયા હતાં. જો કે હિંમતે મર્દા તો મદદે ખુદાની કહેવતને સાર્થક ઠેરવતા હોય તેમ અંકિત સિંગ થોડાક સમયમાં તણાવમાંથી બહાર નીકળી પોતાનું સ્ટાર્ટઅપ શરુ કરવા વિશે વિચાર કર્યો. તેમણે મોકટેલથી પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે તેઓ ફાસ્ટફૂડ આઇટમો પણ વેચી રહ્યા છે.
વાતાવરણમાં ફેરફાર હોય તો જ ઇનહેલર લેવાની જરૂર પડે: અસ્થમાની બીમારીને કારણે અંકિત સિંગને ઇનહેલરનો ઉપયોગ કરવો પડે છે. તેઓ કહે છે કે, કોઈક વખત જ કામનું ભારણ વધુ હોય કે વાતાવરણમાં ફેરફાર હોય તો જ ઇનહેલર લેવાની જરૂર પડે છે.
અસ્થમા શું છે? : અસ્થમા એ ફેફસાંને લગતો રોગ છે જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. આ બીમારીમાં વાયુમાર્ગો સાંકડા થઇ જતાં હોય છે. જેનાથી શ્વાસ લેવામાં હાંફ ચડી શકે છે. અસ્થમાના હુમલામાં શ્વાસ લેવામાં તકલીફ અને ઘરઘર અનુભવવી, છાતીમાં જકડનનો અનુભવું, ઉધરસ અને તકલીફનો સમાવેશ થાય છે. ફેફસાંની વાયુમાર્ગમાં સોજો આવે છે, ત્યારે તે શ્વાસમાં લેવાયેલા પર્યાવરણીય એલર્જન પ્રત્યે સંવેદનશીલ બને છે અને બળતરા પેદા કરે છે. તેમાં પરાગરજ, પ્રદૂષણ અને તમાકુનો ધુમાડો હોય છે.