સુરત : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજ રોજ સુરત પાલ આરટીઓની સરપ્રાઈઝ ચેકિંગ કરી ત્યાં અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. સુરત આરટીઓમાં ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાઇસન્સ ડેટાની પણ ચકાસણી કરી અધિકારીઓને અનેક સૂચનાઓ પણ આપી હતી.
બહાર ઊભેલા અરજદારોએ ફરિયાદ કરી : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજરોજ સુરત પાલ આરટીઓનું સરપ્રાઈઝ સેકિંગ કરી ત્યાં અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. જોકે ઑફિસ હજી ખુલી જ ન હતી અને ત્યાં જ બહાર ઊભેલા કેટલાક અરજદારોએ કહ્યું હતું કે, આરટીઓમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. ઝડપથી કામ કરવામાં આવતું નથી. ફેસલેસની સુવિધા છતાં અમને રૂબરૂ બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અલગ અલગ વિભાગની મુલાકાત દરમિયાન જે તે વિભાગના અધિકારીઓને નિયમિતપણેે ઓફિસ આવવાની અને ઝડપથી કામ કરવા માટેની સૂચનાઓ આપી હતી.
સુરત પાલ આરટીઓ ભ્રષ્ટાચાર મામલે વિવાદમાં : આ પહેલાથી જ સુરત પાલ આરટીઓ આમ તો ભ્રષ્ટાચાર મામલે વારંવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ કરવા માટે કેટલીક વધારાની રકમ વસુલવાની મામલો પણ સામે આવ્યો છે લાયસન્સ બારોબાર બનાવી દેવાનો, બેક લોગનો મામલો, વાહનચાલકોની આરસી બુક લાયસન્સ ઘરે ન પહોંચવાનો ફરિયાદો ઘણી વખત સામે આવી છે. પરંતુ આજ દિન સુધી ફરિયાદો ઉપર સુધી પહોંચી હોવા છતાં આરટીઓ ઓફિસર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું નથી.
આરટીઓ ઇન્ચાર્જ આકાશ પટેલની ચેમ્બરમાં બેઠાં : સૂત્રોની માહિતી અનુસાર આજે સવારે અચાનક જ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત આરટીઓ કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. ત્યારે તેઓ આરટીઓ ઇન્ચાર્જ આકાશ પટેલના ચેમ્બરમાં જઈ બેસી ગયા હતાં. ચેમ્બરમાં કોઈ અધિકારી પણ ન હતાં. માત્ર પટાવાળા બહાર દોડતા નજરે આવ્યા હતાં. ત્યારે તેમણે પૂછ્યું હતું કે, સાહેબ ક્યારે આવે છે? ત્યારે પટાવાળાએ જવાબ આપ્યો હતો કે, કચેરી 10:15 થી 10:30 વાગે શરૂ થઇ જતી હોય છે. બધા વિભાગની કામગીરી અને સમય અલગ-અલગ છે. ઇન્ચાર્જ સાહેબ 10:15 અને 10:30 વચ્ચે આવી જાય છે.