સુરત : ગુજરાતની 26માંથી 26 બેઠક લાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. આ હેટ્રિક બનાવવા માટે આજથી ભાજપે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણી માટે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા શંખનાદ કરવામાં આવ્યો છે. આ માટેે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વોલ પેઇન્ટિંગ કરી લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરુ કરાવ્યો છે.
ગુજરાતમાં બપોરથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ દરેક વોર્ડમાં દરેક એક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર સૂત્ર સાથે વૉલ પેઇન્ટિંગ અને હેન્ડ પેઇન્ટિંગ બને તે શરૂ કર્યું છે. એની અમે આજે શરૂઆત કરી છે. પીએમ મોદીએ 10 વર્ષ દરમિયાન જે કામ કર્યું છે દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે. તમામ વચનો પૂર્ણ કર્યા છે. ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે લોકો મતદાન કરે અને મતદાન કરાવે...સી. આર. પાટીલ ( ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ)
દરેક વોર્ડં અને ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર શરુ : સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા દિવાલ પર ભીત ચિત્ર સાથે લોકસભા ચૂંટણી પ્રચાર માટે શરૂઆત કરાવી છે. ગુજરાતના દરેક વોર્ડમાં અને ગ્રામીણ વિસ્તારમાં આ વોલ અને હેંડ પેઇન્ટિંગ સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી છે. લોકસભાની ચૂંટણી 2009 અને 2014માં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. વર્ષ 2024ની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમત હાંસલ કરવા માટે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય હાંસલ કરવા માટે દરેક વોર્ડમાં ચૂંટણી પ્રચાર કરવા પહેલાં વોલ પેઇન્ટિંગ અને હેન્ડ પેઇન્ટિંગથી શરૂઆત કરાઈ છે.
2024માં ફરી એકવાર મોદી સરકારનું સૂત્ર : સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વર્ષ 2014માં 283 સીટ સાથે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની અને 30 વર્ષ બાદ સંપૂર્ણ બહુમતીની એક પાર્ટીની સરકાર બનાવી હતી. 2019 માં 303 લોકસભા સીટ જીતીને મોદીએ બીજીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે. 2024માં ફરી એકવાર મોદી સરકાર આ સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.