સુરત : 24 કલાક લોકો માટે સેવા આપનાર સુરતની મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ પટેલ થાઈલેન્ડમાં થનાર ડ્રેગન બોટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રીતિએ આ માટે કેરળ અને મહારાષ્ટ્રમાં પ્રેક્ટિસ પણ કરી છે તેઓ ભારતીય ટીમ માટે સિલેક્ટ થયેલી ગુજરાતની એકમાત્ર પ્રતિનિધિ છે. અગાઉ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલા ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.
ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ : ગુજરાતમાં ઓછા લોકો હશે કે જેઓ એ ડ્રેગન બોટ સ્પર્ધા અંગે સાંભળ્યું હશે. ગુજરાતમાં ડ્રેગન બોટ સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરવા માટે યોગ્ય સ્થળ નથી.તેમ છતાં સુરત પોલીસની મહિલા કોન્સ્ટેબલ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવનાર ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ માટે પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવનાર પ્રીતિ પટેલ થાઈલેન્ડ ખાતે ઓગસ્ટ માસમાં યોજવામાં આવનાર ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધામાં બાર ખેલાડીઓ હોય છે. જેમાંથી દસ પેડલિંગ કરતા હોય છે. એક રડાર હોય છે અને એક ડ્રમર હોય છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતમાંથી ત્રણ લોકો સિલેક્ટ થયા હતા અને ત્યારબાદ એમાંથી ફાઈનલ થઈ હું સિલેક્ટ થઈ છું. ગુજરાતમાં વોટર સ્પોટ્સ ડેવલપ નથી. આ કારણ છે કે હું ગયા વર્ષે મહારાષ્ટ્ર પ્રેક્ટિસ માટે ગઈ હતી. ડીસીપી સરોજ કુમારીના સહયોગના કારણે એક મહિના સુધી કેરેલામાં પ્રેક્ટિસ કરી છે. ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ હતી અને થાઈલેન્ડ ખાતે રમવા ગઈ હતી ત્યાં ભારતને બે બ્રોન્ઝ મેડલ પણ અપાવ્યા છે... પ્રીતિ પટેલ(કોન્સ્ટેબલ)
ચેમ્પિયનશિપ માટે તનતોડ મહેનત : પ્રીતિ પટેલને નાનપણથી જ વોટર સ્પોર્ટ્સમાં ખૂબ જ રુચિ હતી. તેની બહેનપણી ડ્રેગન બોટ સ્પર્ધામાં રુચિ ધરાવતી હતી. જેને જોઈ તેને પણ ડ્રેગન બોટ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા થઈ અને તેને પ્રેક્ટિસ શરૂ કરી. પ્રીતિ પટેલનું સિલેક્શન આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે થતા તેને ખૂબ જ પ્રેક્ટિસ શરૂ કરી. ડ્યુટીના કલાકો બાદ તે આ ચેમ્પિયનશિપ માટે તનતોડ મહેનત કરતી હતી. ગુજરાતમાં ડ્રેગન બોટ સ્પર્ધા માટે યોગ્ય પ્રેક્ટિસ કરવા માટે સુવિધા નથી તેમ છતાં પ્રીતિ પટેલનો ઉત્સાહ ઓછો થયો નથી. ડીસીપી સરોજકુમારીના સહયોગથી તેણે અન્ય રાજ્યમાં જઈ ડ્રેગન બોટ સ્પર્ધા માટે પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. તે એક મહિના સુધી કેરળમાં પ્રેક્ટિસ કરી છે.
1000 મીટર અને 200 મીટર માટે બે બ્રોન્ઝ : તેણે વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપ માટે સિલેક્શન હતું. આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે હું ઇન પ્લેયરમાં સિલેક્ટ થઈ છું અને એશિયન ગેમમાં કેમ્પ માટે સિલેક્ટ થઈ છું. ડ્રેગન બોટ ચેમ્પિયનશિપમાં ગુજરાતને એક પણ મેડલ મળ્યું નથી. કારણકે અહીં વોટર સ્પોર્ટ્સ આટલું ડેવલપ નથી. જોકે ઇન્ટરનેશનલમાં ઇન્ડિયન ટીમ માટે હું સિલેક્ટ થઈ હતી એમાં મને 1000 મીટર અને 200 મીટર માટે બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે.