સુરત : લમ્પી વાયરસને કારણે માંગરોળ તાલુકાનાં કેટલાક ગામોમાં પશુઓના મોત થઈ રહ્યા છે, ત્યારે સરકારના પશુ ચિકિત્સા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વેરાકુઈ ગામમાં 20થી વધુ પશુઓના મોત લમ્પી વાયરસને કારણે થઈ ચૂક્યા છે. આ ગામની બાજુમાં જ આવેલ રટોટી ગામમાં હવે લમ્પી વાયરસના કેસ વધી રહ્યા છે.
પશુપાલકોમાં ફફડાટ : પશુપાલક દીપકભાઈ સોમુભાઇ ચૌધરીની માલિકીના ત્રણ પશુઓ છેલ્લા દસ-બાર દિવસમાં મૃત્યુ પામ્યા છે. આજે વધુ એક ગાયનું લમ્પી વાયરસના કારણે મોત થતાં પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે અન્ય એક પશુની હાલત ગંભીર છે. જેથી પશુપાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ગામના અન્ય એક પશુપાલક યોગેશભાઈ છીતુભાઈ ચૌધરીની માલિકીની બે ગાય અને એક વાછરડું સહિત ત્રણ પશુઓના મોત થોડા દિવસ પહેલા થયા હતાં.
માંગરોળ તાલુકામા લમ્પી વાયરસની એન્ટ્રીને લઈને અમારી ટીમ છેલ્લા કેટલાક દિવસથી આ પંથકમાં જ ખડેપગે છે. પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે રિક્ષાઓ પણ ફેરવવામાં આવી રહી છે. લમ્પી વાયરસથી કંઈ રીતે પશુઓને રક્ષણ આપવાનું તે પત્રિકા પણ વિતરણ કરવામાં આવી રહી છે. તેમજ અત્યાર સુધીમાં માંગરોળ તાલુકામાં 20,000 જેટલા પશુઓને રસી પણ આપી દેવામાં આવી છે. ગાંધીનગરથી પણ અમારા ઉપરના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે...મયૂર ભીમાણી (સુરત જિલ્લા પશુપાલક અધિકારી)
કામગીરી સામે સવાલો : રટોટી ગામના પશુપાલકો હાલ ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ પશુઓના મોત દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે તંત્રની પશુપાલન સારવારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગામના ગરીબ પશુપાલકોને હજી સુધી સરકારી આદિવાસી તંત્ર દ્વારા વળતર ચૂકવાયું નથી, ત્યારે પશુપાલન કરી જીવન ગુજારતા ગરીબ આદિવાસી પશુપાલકોને વહેલી તકે સરકારી તંત્ર મદદરૂપ બને તેવી માગ ઉઠી રહી છે.