સુરત : સુરતની ડિમ્પલબેન ભજીયાવાલા નામની મહિલાને દહેરાદૂનમાં બ્રેઇન સ્ટ્રોક લાગતા તેમની ત્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલ્યા બાદ વધુ સારવાર માટે દહેરાદૂનથી સુરત 108 એર એમ્બ્યુલન્સ મારફતે સુરત લવાયા હતાં. હાલ તેમની સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.તેઓ ચારધામ યાત્રા પર તેમના પતિ સાથે ગયાં હતાં અને દહેરાદૂનમાં જ તેમની તબિયત લથડી પડી હતી. દહેરાદૂનથી બ્રેઇન સ્ટ્રોકના દર્દીને 108 એર એમ્બ્યુલન્સ મારફતે સુરત લવાયાં હતાં.
દર્દીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો : સુરતના જ પાલનપુર પાટિયા ખાતે રહેતા 42 વર્ષીય ડિમ્પલબેન ભજિયાવાલા તેમના પતિ અનિલભાઈ સાથે ચારધામની યાત્રા માટે દહેરાદુન ગયા હતા. જ્યાં ડિમ્પલબેનની તબિયત લથડી હતી. જેથી તેઓને દહેરાદૂન સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું હતું અને બાદમાં ત્યાં બ્રેઇન સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારે તેમને એર એમ્બ્યુલન્સમાં સુરત પરત લાવવાનો નિર્ણય લેવાયો હતો.
108 એર એમ્બ્યુલન્સથી સુરત લવાયાં : તેમને વધુ સારવાર અર્થે 108 એર એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવ્યા હતાં. દહેરાદૂનથી સુરત આવતા તેમને એર એમ્બ્યુલન્સમાં લગભગ 4:30 કલાકનો સમય લાગ્યો હતો. ત્યારબાદ સુરત એરપોર્ટથી પોલીસ ગ્રીન કોરિડોર સાથે દર્દીને INS હોસ્પિટલ 15 કિલોમીટરનું અંતર 28 મિનિટમાં કાપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં..હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મને એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ક્રિટીકલ દર્દી ઇમરજન્સીમાં દહેરાદૂનથી 108 એર એમ્બ્યુલન્સ મારફતે સુરત આવી રહ્યું છે. જેથી તાત્કાલિક મેં મારા અડાજણ લોકેશનની એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલા ઈએમટી શબ્બીરભાઈ અને પાયલોટ તેજસભાઈને સંપૂર્ણ વિગત આપી હતી અને અમારી ટીમ એરપોર્ટ પર પહોંચી હતી...પરાગ હડીયા (108ના અધિકારી)
સુરત 108 તરફથી સંપૂર્ણ મોનીટરીંગ : આ બાબતે 108ના ઇએમટી શબ્બીરભાઈએ જણાવ્યું કે દર્દી બેભાન હતા અને ક્રિટીકલ હતાં. તાત્કાલિક તેઓને વેન્ટિલેટર અને મલ્ટી પેરા મોનીટરથી દર્દીની સારવાર ચાલુ કરી હતી. તેમની ટીમ સુરત 108 સેન્ટરમાં બેઠેલા ફિજિશિયનના સંપર્કમાં રહી સુરત આઈએનએસ હોસ્પિટલ લઈ ગયા હતાં. દહેરાદૂનથી સુરત આવતા તેમને એર એમ્બ્યુલન્સમાં લગભગ 4:30 કલાકનો સમય લાગ્યો હતો. સુરત 108 તરફથી આ કેસનું સંપૂર્ણ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. 108 સાથે જ સુરત એરપોર્ટથી પોલીસ ગ્રીન કોરિડોર સાથે દર્દીને 15 કિલોમીટરનું અંતર 28 મિનિટમાં કાપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.