- ટોઇંગ ક્રેન એજન્સીને લાખો રૂપિયાનું ચૂકવણું
- RTIના જવાબમાં સામે આવી વિગતો
- RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ લગાવ્યા આક્ષેપ
સુરત: લોકડાઉન દરમિયાન બંધ રહેલી ટોઇંગ ક્રેન એજન્સીને લાખો રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ સુરત RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે RTI એક્ટિવિસ્ટ દ્વારા તપાસની માગ સાથે સુરત પોલીસ કમિશ્નર, ACB, ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેની તપાસ ખૂદ સુરત એડિશનલ CP શરદ સિંઘલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાનું 5 કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવામાં આવ્યું છે.
એજન્સીને માર્ચથી જુલાઈ માસ દરમિયાન 93 લાખ જેટલું પેમેન્ટ ચૂકવાયું
સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ટોઇંગ કરતી એજન્સીને લોકડાઉન દરમિયાન 4થી 5 માસ દરમિયાનનું 92 લાખ જેટલું ભાડૂં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવ્યા હતા. સંજય ઇઝાવા દ્વારા કરાયેલી RTIમાં એજન્સીને માર્ચથી-જુલાઈ માસ દરમિયાન 93 લાખ જેટલું પેમેન્ટ ચૂકવાયું હોવાની જાણકારી આપવામાં આવી હતી. જો કે, સંજય ઇઝાવાએ આક્ષેપો કર્યા હતા કે, લોકડાઉન દરમિયાન બંધ રહેલી ક્રેનનું ખોટી રીતે ભાડૂં ચુકવવામાં આવ્યું હતું. ક્રેનનું એક દિવસનું ભાડું 3,500 રૂપિયા જેટલુ થાય છે. જો કે, માત્ર 5 માસ દરમિયાન લાખો રૂપિયાનું પેમેન્ટ ગેરીરીતિ કરી ટોઇંગ એજન્સીને કરી દેવામાં આવ્યું છે.
ક્યાંક ખોટું થયું હોવાની ગંધ આવી રહી છે
સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, વિવિધ વિભાગોમાં કરાયેલી ફરિયાદના અનુસંધાને સુરતના એડિશન CP દ્વારા તેમને જવાબ લેવા બોલાવવામાં આવ્યા હતા. જ્યાં 5 કલાકથી વધુ સમય તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. મારા જે આક્ષેપ છે, તે અંગેની તપાસ હાલ એડિશનલ CP જાતે કરી રહ્યા છે. આ કેસમાં સંપૂર્ણ તપાસ થાય તેવી મારી માગ છે. કારણ કે, આ રૂપિયા પ્રજાના છે. જેમાં ક્યાંકને ક્યાંક ખોટું થયું હોવાની ગંધ આવી રહી છે. જેની સંપૂર્ણ તપાસ થવી જરૂરી છે.
આરોપોમાં કેટલું તથ્ય છે તેની ઊંડાણપૂર્વક તપાસ
RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈ કેસની તપાસ ખૂદ સુરત પોલીસના એડિશનલ CP શરદ સિંઘલ કરી રહ્યા છે. આ અંગે શરદ સિંઘલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક ઇન્ટરનલ ઇન્કવાયરી છે. જેમાં હાલ મીડિયા બ્રિફ કરી શકાય નહીં. હાલ એડિશનલ CP દ્વારા આ આરોપો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે RTI એક્ટિવિસ્ટના આરોપોમાં કેટલા તથ્ય છે તે ઊંડાણપૂર્વક તપાસ બાદ જ સામે આવશે.