સુરતઃ એન્ટી કરપ્શન બ્યુરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ - 1988ના સુધારા અધિનીયમ- 2018 અંતર્ગત સરકારી અધિકારપકર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત એકત્રિત કરવાના તેમજ પોતાના સગા - સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝશન એક્ટ - 1988 અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યા છે.
જે અંતર્ગત રાજેશભાઈ પરાગભાઈ પટેલ જે મદદનીશ ઇજનેર , વર્ગ-2 , કતારગામ ઝોનમાં ફરજ બજાવે છે, તેમની સામે ACBના મદદનીશ નિયામક એન . ડી . ચૌહાણે સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 2018 ની કલમ 13 ( 1 ) ( બી ) તથા 13 ( 2 ) મુજબ ગુનો સુરત શહેર ACB પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો.
મહત્વનું છે કે, એક જાગૃત નાગરીકે રાંદેર ઝોનના ટાઉન પ્લાનીંગ વિસ્તારમાં આવેલ જમીન પર બાંધકામની હકારાત્મક અભિપ્રાય આપવાના કામે રાજેશ પટેલ દ્રારા રૂપિયા 25000 ની લાંચની માંગણી હતી. જે આધારે ACB ની ટીમે તા. 15 ફેબ્રુઆરી 2016ના રોજ ગોઠવેલ લાંચના છટકામાં રાજેશભાઈ પટેલ ઝડપાઈ ગયો હતા. જેને પગલે મદદનીશ ઈજનેર રાજેશ પટેલને 17 ફેબ્રુઆરી 2016 થી સસ્પેન્શન હેઠળ મુકેલવામાં આવ્યા હતાં.
જો કે. ત્યાર બાદ રાજેશ પટેલને કતારગામ ઝોન ખાતે પુનઃ નિમણૂક આપવામાં આવી હતી. રાજેશ પટેલ છેલ્લા બે વર્ષથી કતારગામ ઝોનમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. રાજેશ પરાગભાઈ પટેલ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત વસાવવ્યા અંગેના કેસની શક્યતા રાજેશ પટેલની સેવા વિષયક તથા પગારભથ્થાની માહિતી સંબંધિત વિભાગ તરફથી મંગાવવામાં આવી હતી. રાજેશ પટેલ અને તેના પરીવારના સભ્યોના બેંકોના એકાઉન્ટ સ્ટેટમેન્ટની માહિતી, સબ રજીસ્ટર કચેરીઓ તરફથી સ્થાવર મિલકત સંબધેની દસ્તાવેજી માહિતી, આવક વેરાની માહિતી , તથા વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવેલ હતી. સદર તપાસના કામે રાજેશની પુછપરછ કરી તેઓના આવક ખર્ચ અને સ્થાવર, જંગમ મિલકતો બાબતે નિવેદન તેમજ જરૂરી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતાં.
રાજેશ સામે તપાસના કામે તેને વસાવેલી મિલકતો બાબતે સંતોષકારક ખુલાસો આપી શકેલ નથી. વધુમાં રાજેશે વસાવેલ મિલકતો પૈકી અમુક મિલકતો બાબતે સરકારને બદઇરાદાથી જાણ નહી કરી ગુજરાત રાજય સેવાના નિયમોનો ભંગ કરેલાનું પણ તપાસ દરમ્યાન જણાઇ આવ્યું હતું .
આ તપાસ દરમિયાન એકત્રીત કરેલા દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓના વિશ્લેષણ તેમજ આવક , ખર્ચની વિગતો આધારે આક્ષેપિત દ્વારા તેની આવકના પ્રમાણમાં અપ્રમાણસર સ્થાવર જંગમ, મિલકતો વસાવેલાનું જણાઇ આવ્યું છે. રાજેશના ચેક પીરીયડ દરમિયાન પોતાના હોદ્દાની રૂએ ફરજ બજાવતી વખતે કાયદેસરના આવકના સ્ત્રોતમાંથી થયેલી આવક કરતાં રૂપિયા ૮૪, ૭૪, 672 ની અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાય આવ્યું છે. જે કાયદેસરની આવકની સરખામણીમાં 61.59 ટકા જેટલી અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું.
આ માહિતીને આધારે સુરત ACB દ્વારા રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકામાં કોઈ પણ કામ કરાવવું હોય તો રૂપિયા વગર થતું નથી એ વાત ફરી સાબિત થઈ છે, કારણ કે 80 હજારના પગાર મેળવતા રાજેશ જેવા અનેક અધિકારીઓ લાંચ લીધા કામ કરતા નથી. જે હાલમાં જ અશ્વિન ટેલર નામના અધિકારીની ધરપકડથી પણ સામે આવ્યું હતું.