માંગરોળઃ આ તાલુકાના વાલેચા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગામની સીમમા દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. અવાર નવાર સ્થાનિકો અને ખેડૂતોને દીપડાના સગડ મળ્યા હતા. આ વિસ્તારમાંથી દીપડો પીંજરે પુરાયો છે. ઝંખવાર વન વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ટીમે દિપડાનો કબજો લીધો છે.
દીપડાનો ભયઃ વાલેચા ગામના ખેડૂઓએ દીપડાના ભયને લીધે રાત્રે ખેતરે જવાનું બંધ કર્યુ હતું. મુસાફરો પણ વાલેચાના માર્ગેથી પસાર થતા ડરતા હતા. દીપડાના ભયને પરિણામે રાત્રે સમગ્ર પંથકમાં કરફ્યુ જેવું વાતાવરણ થઈ જતું હતું. સ્થાનિકોએ ઝંખવાવ વન વિભાગને આ સમસ્યાનું નિવારણ કરવા જણાવ્યું હતું. વન વિભાગે આ વિસ્તારમાં દીપડાની પકડવાનું બીડુ ઝડપ્યું અને વ્યવસ્થાઓ શરૂ કરી હતી. વન વિભાગે એક ખાસ પીંજરૂ દીપડાની અવર જવરના સ્થળે ગોઠવ્યું હતું. આ પાંજરામાં મારણની લાલચે એક ખૂંખાર દીપડો પુરાઈ ગયો હતો.
સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યાઃ દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થયા હતા. ઝંખવાવ વન વિભાગની ટીમને ખબર મળતાં જ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.ટીમે દીપડાનો કબજો લીધો હતો.પાંજરે પુરાઇ ગયેલ દીપડો સાડા પાંચ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે.
સ્થાનિકોની સતત મળી રહેલી ફરિયાદને પગલે અમારી ટીમ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે હાલ મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો છે. દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે...હિતેશ માળી (બીટ જમાદાર, ઝંખવાવ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ)
બારડોલી તાલુકામાં દીપડાનાં આંટાફેરાઃ છેલ્લા ચાર દિવસથી બારડોલી અને પલસાણા તાલુકાની બોર્ડર પર આવેલા નાંદીડા, પિસાદ અને બારાસડી વિસ્તારમાં દીપડાનું જોડું નજરે ચડ્યું છે. શુક્રવાર મોડી રાત્રે ફ્રેંડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડ અને કેટલાક સ્થાનિક યુવાનોએ દીપડો નજરે પડયો હોય તે વિસ્તારમાં શોધખોળ આદરી છે.
29મી ઓગસ્ટના રોજ રાત્રે 9.30 કલાકની આસપાસ નાંદીડા નહેર ઉપરથી બાબેન ગામના મેહુલભાઈ તેમના મિત્ર સાથે પસાર થયા હતા ત્યારે અચાનક તેમને નહેરની બાજુના વિસ્તારમાંથી એક દીપડો માર્ગ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. તેમણે પોતાની ગાડી થોભાવી દીધી હતી. થોડા સમય બાદ બીજો દીપડો પણ આ જ માર્ગે પસાર થયો હતો. આ ઉપરાંત 30મી ઓગસ્ટના રોજ સાંજે 7 કલાકની આસપાસ પિસાદ ગામના સરપંચ ચેતન પટેલને આ જ સ્થળે દીપડાનું જોડું નજરે પડ્યું હતું...જતિન રાઠોડ (પ્રમુખ, ફ્રેન્ડ્સ ફોર એનિમલ ટ્ર્સ્ટ)