સુરતઃ માંગરોળ તાલુકાના નવાપરા GIDCમાં પરપ્રાંતિય પતિ અને પત્ની ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા છે. આ મૃતકોના લગ્ન 2 વર્ષ અગાઉ જ થયા હતા. આ ઘટનાને પગલે કોસંબા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના મુદ્દે તપાસની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં સૂરજ યાદવ તેમની પત્ની સુકેતા યાદવ સાથે રહે છે. આ બંને પતિ પત્ની એક મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. આ બંનેના લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા અને તેમને કોઈ સંતાન નહતું. આ પતિ પત્ની વચ્ચે અવાર નવાર કજિયા કંકાસ પણ થતા હતા. બનાવના દિવસે સૂરજ અને તેની પત્ની સુકેતાનો ગળે ફાંસો ખાધેલ અને લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પાડોશીઓએ સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરી હતી.
પોલીસ કાર્યવાહીઃ જાણ થતાં જ કોસંબા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. સ્થળ પર તપાસ કરતા ઘરમાં બધો સામાન વેર વિખેર હાલતમાં હતો. તેમજ લોખંડની એંગ્લ સાથે સાડી બાંધી બન્ને પતિ પત્ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે આત્મહત્યા કરી હોય તેવું અનુમાન લગાવ્યું છે. પોલીસે મૃતક દંપતીના મૃતદેહોનો કબજો લઈનને પીએમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. પોલીસ પાડોશીઓના નિવેદન લઈને મૃતકના સગા સંબંધીનો સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
કોસંબા પોલીસે બંને મૃતદેહને પીએમ માટે કામરેજ આરોગ્ય કેન્દ્ર મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે...નલિનભાઈ (ASI, કોસંબો પોલીસ સ્ટેશન, માંગરોળ)