સુરત: ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સુરત સબજેલના 13 જેટલા કેદીઓ આનંદિત થઈ ગયા હતા. કારણકે માર્ચમાં લેવાયેલી ધોરણ 12 ની આ પરીક્ષામાં સુરત સબજેલના 13 જેટલા કેદીઓએ પણ પરીક્ષા આપી હતી અને આ તમામ કેદીઓ ઉત્તીર્ણ થયા છે.
" તેણે જેલની અંદરથી પરીક્ષા આપી હતી જે માટે જેલ તંત્રએ તેની ખૂબ જ મદદ કરી છે. જેના કારણે તેનો 77.14 ટકા આવ્યા છે. જેલ પ્રશાસન દ્વારા જે શાળાની સુવિધા જેલની અંદર આપવામાં આવી હતી તેના કારણે જ હું મહેનત કરી શક્યો. જેલથી જ્યારે નીકળીશ ત્યારે આગળ ભણવા માટે પ્રયાસ કરીશ. જ્યાં સુધી જેલમાં છું અત્યાર સુધી આગળ ભણવા માટે પણ હું તૈયારી કરીશ. " - ચૌધરી નિકુંજ કુમાર, દુષ્કર્મ કેસના કાચા કામના આરોપી
13 જેટલા કેદીઓએ આપી હતી પરીક્ષા: આ 13 કેદીઓમાંથી સૌથી વધુ માર્ક્સ મેળવનાર આઈપીસી 376 દુષ્કર્મના કાચા કામના કેદી નિકુંજકુમાર ચૌધરી છે જેને 77% માર્ક હાંસલ કર્યા છે. ધોરણ 10 નું પરિણામ જ્યારે જાહેર થયું હતું ત્યારે હત્યાના કેસના કાચા કામના આરોપી રાઠોડ પાર્થ નિલેશભાઈએ 69.50 ટકા મેળવ્યા હતા અને જેલમાં પ્રથમ રહ્યો હતો. ધોરણ 10 માટે કુલ 14જેટલા કેદીઓએ પરીક્ષા જ્યારે ધોરણ 12 માટે 13 જેટલા કેદીઓએ પરીક્ષા આપી હતી.
" જેલની અંદર આવીને મેં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. મારું 65% રિઝલ્ટ આવ્યું છે. અમને ભણાવવા માટે બહારથી શિક્ષક આવતા હતા અને ખાસ જેલ તંત્ર દ્વારા જે સુવિધા કરવામાં આવી છે તેના કારણે જ હું પાસ થઈ શક્યો છું. સાથે જે અન્ય કેદીઓ છે તેઓએ પણ અમારી ખૂબ જ મદદ કરી છે. જ્યાં સુધી હું જેલમાં છું ત્યાં સુધી સારી રીતે ભણીશ." - જતીન કૃષ્ણ વર્ધા, કેદી
" જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જે પણ આરોપીઓ અથવા તો જે સજા ભોગવી રહ્યા છે તે કેદીઓ પોતાના શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય આ માટે જેલમાં જ તેમને તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધા આપવામાં આવી છે જેથી તેઓ જેલ બહાર જઈ પોતાનું ઉજવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવી શકે. આ વર્ષે ધોરણ 10 માં કુલ 14 જેટલા કેદીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ 13 બંદીવાનો હતા." - પી.જી. નરવડે, સુરત સબજેલના નાયબ અધિક્ષક