સુરત : 20મી જુનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. જેની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે. ભગવાન કયા વસ્ત્રોમાં સુરત ખાતે નગર ચર્ચામાં નીકળશે તે અંગેની ઉત્સુકતા ભક્તોમાં હંમેશાથી જ જોવા મળે છે. ત્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ખાસ સુરત ઇસ્કોન મંદિરમાં વૃંદાવનથી વાધા આવ્યા છે. જેની કિંમત અઢી લાખ રૂપિયા છે. ભગવાનને પ્રિય પીળા રંગમાં આ વાઘા તૈયાર કરવામાં આવ્યો છે જેને ખાસ જરી અને એમ્બ્રોઇડરીથી ખૂબસૂરત બનાવવામાં આવી છે.
ભક્તોમાં ઉત્સાહ : દર વર્ષે ભક્તો જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. કારણ કે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપવા માટે પોતે રથ પર સવાર થઈને નગર ચર્ચા કરવા માટે નીકળે છે. હરિના ભક્તો માટે આ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. ભગવાનની રથયાત્રા માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને સાથે તેમના પરિધાનને લઈ પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સુરત ઇસ્કોન ટ્રસ્ટ દ્વારા વૃંદાવનથી ભગવાનનો વાઘા મંગાવવામાં આવ્યું છે.
એક મહિનામાં આ વાઘા તૈયાર થયા છે. એકની કિંમત અઢી લાખ રૂપિયા છે. પીળા રંગના પ્યોર સિલ્ક કાપડ પર, જરદોશી, જરી વર્ક સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. સોના અને ચાંદીના જરી થી એમ્બ્રોડરી કરાયું છે. યાત્રા માટે અમે પાંચ લાખ જેટલા ભક્તોને પ્રસાદ મળી શકે આ માટે બુંદીના લાડુના પેકેટ બનાવ્યું છે. બપોરે 03:00 વાગ્યે રથયાત્રા નીકળશે. જેમાં હજારની સંખ્યામાં ભક્તો હાજર રહેશે. કૃષ્ણ લીલાના અલગ અલગ 25 જેટલી ઝાંખીઓ એમાં જોવા મળશે.
રથને રંગ રોગાણ કરવામાં આવી છે : સુરત શહેરમાં સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિર ટ્રસ્ટ તરફથી કાઢવામાં આવતી હોય છે. જેને લઇ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ રથયાત્રાને ધ્યાનમાં રાખી રથને રંગ રોગાણ કરવામાં આવી છે. તો બીજી બાજુ જ્યારે રથ પર સવાર જગન્નાથ ભગવાન ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે નીકળશે, ત્યારે લોકોને તેઓ ખૂબ જ આકર્ષિત વાઘામાં જોવા મળશે.
25 જેટલી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા સુરત ખાતેથી નીકળશે .ભગવાન શહેરીજનોને દર્શન આપવા આ રથમાં સવાર થઈને આવશે, ત્યારે સુરત ખાતે ઇસ્કોન મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલ રથની ખાસીયત છે કે રથયાત્રા માટે જે રથ 21 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. તેની લાકડીઓ આસામથી મંગાવવા આવી હતી. સુરત અને આસામના કારીગરો આ રથને તૈયાર કર્યા છે. તેને ખેંચવા માટે ભક્તો આતુર છે. 30 વર્ષથી નીકળતી આ રથયાત્રામાં બે વાર રથ બદલવામાં આવ્યો છે. 25 જેટલી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વિશાળકાય રથ બનાવવામાં આવ્યો : રથયાત્રા શરૂ થઈ છે, ત્યારથી અત્યાર સુધી ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા આ બીજો રથ બનાવવામાં આવ્યો છે. વર્ષો પહેલા આજે રથયાત્રા કાઢવામાં આવતી હતી. તે વખતે રથ ખૂબ જ નાનો હતો. જોકે સુરતના લોકો અગાઉ બે દિવસ સુધી રથયાત્રાની ઉજવણી કરતા હતા. ત્યારબાદ વિશાળકાય રથ બનાવવામાં આવ્યો છે. આ રથ બનાવવા માટે આસામથી લાકડાઓ મંગાવવામાં આવ્યા હતા, એટલું જ નહીં સુરત અને આસામના કારીગરો એ રથને આખરી ઓપ આપ્યો હતો. 21 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા રથમાં જ્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા વિરાજમાન થાય છે ત્યારે ભક્તો ભાવવિભોર થઈ જતા હોય છે.