સુરત દેશભરમાં હવે વિન્ડ પાવર સિટી તરીકે પણ ઓળખાય છે. વિન્ડ પાવર એનર્જી ઉત્પન્ન કરવામાં સુરત દેશમાં સૌથી મોખરે છે. વિન્ડ પાવર પ્લાન્ટના કારને જુલાઈ 2019 સુધીમાં સુરત મહાનગરપાલિકાએ 200 કરોડ રૂપિયાની બચત કરી લીધી છે.
સુરત મહાનગરપાલિકાએ પાંચ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં જ નહીં દેશભરમાં સૌથી વધુ એનર્જી વિન્ડ પાવરથી ઉત્પાદન કરનાર સુરત એકમાત્ર શહેર છે. સોલાર સિટીના રૂપમાં દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહેલી સુરત મનપા રિન્યુએબલ એનર્જી માટે અગાઉથી ગંભીર કદમ ઉઠાવી રહી છે.
અડોદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં રૂપિયા 26.90 કરોડનો ફાયદો થયો છે. તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. જેની પાછળ રૂપિયા 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે.
ત્રીજો પ્રોજેક્ટ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો.જેમાં રૂપિયા 26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. તેમજ ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. જેની પાછળ મનપાએ સૌથી વધુ રૂપિયા 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યુ હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. 2.1 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટમાં દર વર્ષે 54.49 લાખ કિલોવોટ યુનિટ વીજળી ઉતપન્ન થાય છે. પ્રતિ યુનિટ છ રૂપિયાના દરથી મનપા વર્ષે 3.26 કરોડની આવક છે. જેનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો કરી બાકી રહી જતી રકમની ક્રેડિટ મનપાને મળશે.
આમ, સુરત મનપાએ અત્યાર સુધી રૂ.215 કરોડનો ખર્ચ પાંચ પવન ચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા છે. જેમાંથી 78GWH વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 200 કરોડનો ફાયદો થયો છે.