લીંબાયત વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સ્થાનિક પોલીસ ગુનાખોરી ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેના કારણે ગુનેગારોમાં પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લીંબાયતના ગોડાદરા ખાતે ખાતે ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.
મોટર સાયકલ અડવા બાબતે હાથમાં તલવાર લઈ અજાણ્યો શખ્સ પોતાના અન્ય સાગરીત સાથે પાનના ગલ્લા પર પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગોડાદરા ખાતે રહેતો રોશનસિંહ રાજપૂત ગત રોજ મિત્ર સાથે જ્ઞાનદીપ વિધાલય નજીક આવેલ પાન અને ચાની દુકાન પર ગયો હતો. જો કે તે પહેલાં રસ્તામાં અજાણ્યા શખ્સોની મોટર સાયકલ સાથે તેની મોટર સાયકલ અડી ગઈ હતી.જેની અદાવત રાખી અજાણ્યો શખ્સો પાનના ગલ્લા પર હાથમાં ચપ્પુ અને ખુલ્લી તલવાર લઈ આવી પોહચ્યા હતા.
જ્યાં અજાણ્યા શખ્સે રોશનનો કોલર પકડી બાદમાં દુકાન બહાર લઈ ગયો હતો. જ્યાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતા તે પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ બાદ તેણે આ અંગે લીંબાયત પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી છે. જો કે પોલીસે આ મામલે નક્કર કોઈ કાર્યવાહી કરી હોય તેવી કોઈ માહિતી જાણવા નથી મળી.સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જે ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે અસામાજિક તત્વો કેટલી હદે પોતાની દાદાગીરી બતાવી રહ્યા છે.જે પરથી ગુનેગારમાં પોલીસનો કેટલો ડર છે તે જાણી શકાય છે.