છેલ્લા ચાર મહિનાથી ડાયમંડ ઉધોગ મંદીના મારથી બેહાલ છે. ક્રિસમસના તહેવારને લઈ હીરા ઉદ્યોગમાં એક આશાનું કિરણ જોવા મળતુ હતું, પરંતુ ક્રિસમસને ફક્ત 17 દિવસ બાકી રહી ગયા હોવા છતા બજારમાં ગ્રાહકો જોવા મળતા નથી. હીરા ઉદ્યોગ ક્રિસમસના સમયે કરોડોનો વેપાર કરતો હતો પણ મંદીને કારણે હીરા ઉદ્યોગના ઉત્પાદનમાં 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. હીરા એક્સપોર્ટમાં પણ 30 થી 35 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને આશા હતી કે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મંદીના કાળા વાદળ ક્રિસમસના સમયે હટી જશે. પરંતુ વૈશ્વિક મંદી અને હોંગકોંગમાં સર્જાયેલા અરજકર્તાના કારણે ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને વર્ષોથી આ ઉદ્યોગમાં પોતાનું સર્વત્ર આપનાર હીરા વેપારીઓ માની રહ્યા છે કે, નોટબંધી, જીએસટી બાદ વૈશ્વિક મંદી અને કેટલાક ડિફોલ્ટરોના કારણે સમગ્ર હીરા ઉદ્યોગની પરિસ્થિતિ દયનીય બની છે. 30 થી 40ટકા નાના હીરાના વેપારીઓ નુકસાનમાં છે. જ્યારે 40 ટકા રત્નકલાકારો પાસે અત્યારે પૂરતું કામ નથી.
હીરા ઉધોગકારોનું માનીએ તો દિવાળી પહેલા હીરા ઉદ્યોગમાં બે શિફ્ટમાં કામ ચાલતુ હતું. પરંતુ દિવાળીના બે મહિના પહેલાથી હાલત વધુ કફોડી થઇ ગઈ છે. જે આશા ક્રિસમસને લઈને હતી તે પણ હાલ નિરાશામાં બદલાઈ ગઈ છે.