સુરત : શહેરમાં હાર્ટ અટેકથી વધુ એકનું મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કિરણ રાજેશભાઈ સોલંકી ઈનકમ ટેક્સ વિભાગમાં કાર ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે તેઓ નોકરી ઉપર હતા. ત્યારે જ અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના સાથી મિત્રો દ્વારા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.
આશાસ્પદ યુવકનું મોત : હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કિરણને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. મોતનું સાચું કારણ જાણવા માટે કિરણના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ જ કિરણનો બર્થ ડે હતો. આજે કિરણના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે બીજી બાજુ નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા આ મામલે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
આજે સવારે કિરણ પીપલોદ ખાતે અધિકારીને લેવા ગયો હતો. દરમિયાન છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી અધિકારીએ ઘરે જતા રહેવાની સલાહ આપી હતી. ત્યારબાદ કિરણ ઓફિસે આવ્યો ત્યારે કિરણને છાતીમાં વધુ દુખાવો થવા લાગ્યો હતો. ગતરોજ જ કિરણનો બર્થ ડે પણ હતો. આજે કિરણના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. -- તુલસીભાઈ સોલંકી (મૃતકના પિતા)
હાર્ટ અટેકથી મોતની આશંકા : આ બાબતે મૃતકના પિતા તુલસીભાઈએ જણાવ્યું કે, આજે સવારે નવ વાગ્યાની આસપાસ કિરણના એક મિત્રનો ફોન આવ્યો કે, કિરણને આ રીતે છાતીમાં દુખાવો થયો છે. તેઓ બેભાન થઈ ગયા છે. તેમને સારવાર માટે અમે નવી સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ. જોકે અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે કિરણનું મોત થઈ ચૂક્યું છે. કિરણના લગ્નના 8 વર્ષ થઈ ગયા છે. જ્યારે તેમને કોઈ સંતાન નથી. કિરણ કોન્ટ્રાકટ હેઠળ ઈનકમ ટેક્સ વિભાગમાં કાર ડ્રાઈવિંગનું કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. અમે મૂળ ભરૂચ જિલ્લાના છીએ.