સુરત : રાજ્યમાં રોલામારુ, રોફ જમાવવાનો જાણે યુવાનોમાં ભારે શોખ હોય તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલી જમરૂખ ગલી પાસે એક શખ્સ ડબલ બેરલ બંદૂક સાથે જીવતા કારતૂસ લઈને ફરતો હતો અને રોફ જમાવી રહ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોને લઈને કીમ પોલીસ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાથમાં બંદૂક લઈને રોફ જમાવતો યુવકને ઝડપી લીધો હતો અને તેઓ વિરુદ્ધ કીમ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Rifle shooting : બોટાદ પોલીસનું મહિલા સુરક્ષા માટે નવતર કદમ, બંદૂક ચલાવતાં શીખવ્યું
બંદૂક લાયસન્સ વગરની હોવાનું જાણવા મળ્યું : કીમ પોલીસે ઓલપાડના કઠોદરા ગામે આવેલા અંબિકા નગરમાં રહેતા બ્રિજેશ સંતરામ પટેલ નામના શખ્સને ઝડપી બંદૂક જપ્ત કરી હતી. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી લાયસન્સ માંગતા તેઓ પાસેથી લાયસન્સ મળી આવ્યું ન હતું, ત્યારે પોલીસે હાલ બંદૂક, બે જીવતા કારતૂસ મળી કુલ 40,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં તિરંગા ઝંડા બાબતે થયેલી રકઝક બાદ અજાણ્યા શખ્સે વિદ્યાર્થીઓ પર તાકી બંદૂક
પોલીસનું નિવદેન : સુરત ગ્રામ્યના DYSP બી.કે.વનારે જણાવ્યું હતું કે, ગત તારીખ 24મી માર્ચ 2023ના રોજ પોલીસને બાતમી મળી હતી. ઝડપાયેલ આ શખ્સ બંદૂક બતાવી બધાને રોફ જમાવતો હતો. પોલીસે આ શખ્સની અટકાયત કરી અને તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલો આરોપી બ્રિજેશ સંતરામના મિત્ર દિનેશ તોમર જેઓ રિટાયર્ડ CRPFના જવાન છે. તેમની પાસે આ બંધુકનું લાયન્સ છે અને બંદૂક તેઓની છે. તેઓ હાલ એક બેંકમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. દિનેશ તોમરે આ બંદૂક આરોપી બ્રિજેશ સંતરામને રાખવા આપી હતી, ત્યારે બજારમાં જઈને આરોપી બ્રિજેશ રોફ જમાવી કોઈને ધમકી આપતો હતો. આ સમગ્ર મામલે કીમ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.