સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ તક્ષશિલા આરકેડમાં ભીષણ આગ લાગી અને આગની આ ઘટનામાં માસૂમ બાવીસ જેટલા વિધાર્થીઓના ચિરાગ હંમેશા માટે બુઝાઈ ગયા. જે માસૂમ વિધાર્થીઓએ હજી તો સંપૂર્ણ રીતે દુનિયા પણ જોઈ ન હતી, તે તંત્ર ના પાપે હંમેશા માટે મોત ને ભેટી ગયા. મૃતકોમાં એક વિધાર્થીની વરાછાના લંબે હનુમાન રોડ પર રહેતા કાણાની પરિવારની પણ છે.
કાનાણી પરિવારે આશાસ્પદ અને પોતાની વ્હાલસોયી દિકરીને ગુમાવી છે. વ્હાલસોયી દિકરી ગુમાવનાર વરાછા વિસ્તારના કાણાની પરિવારે પોતાની આપવીતી વર્ણવી છે અને તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યકત કર્યો છે. કાણાની પરિવારની 19 વર્ષીય વંશવિ જયેશભાઈ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોલેજ જવાની ઈચ્છા ધરાવતી વંશવિને પિતાએ પ્રાઇવેટ ટ્યુશન કરવા આગ્રહ કર્યો અને ત્યારબાદ સરથાણા સ્થિત તક્ષશિલા આરકેડમાં ચાલતા અલોહા ટ્યુશન કલાસીસમાં એડમિશન મેળવ્યું. જ્યાં પહેલાથી જ પેઇન્ટિંગમાં રુચિ ધરાવતી વંશવિને પિતાએ સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો.
ગત 24 તારીખ ના રોજ મામાના ત્યાંથી પિતા જયેશભાઇ વંશવિને લઈ ટ્યુશને મૂકી આવ્યા. જો કે પિતાએ સપનામાં પણ વિચાર્યું ન હશે કે પુત્રી જોડેની આ મુલાકાત તેમની અંતિમ મુલાકાત બની રહેશે. ચાર વાગ્યાની આસપાસ વંશવિએ પોતાની બહેન સ્નેહલ નાકરાનીને કોલ કર્યો. જે સાંભળી પરિવાર સ્તબધ થઈ ગયો. મોબાઈલ વંશવીના તે શબ્દો પરિવાર ને હચમચાવી નાંખનારા હતા. વંશવીએ ટ્યુશન ક્લાસમાં આગ લાગી હોવાની વાત જણાવી. જે સાંભળી બહેન સ્નેહલ ચોંકી ઉઠી અને તાત્કાલિક તેણીને યોગ્ય સ્થળે ખસી જવા સલાહ આપી. આશરે ચાર મિનિટ સુધી વાત ચાલી. બાદમાં તેણીનો સંપર્ક કપાઈ ગયો. જેથી પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. જ્યાં ઘટના સ્થળે પોહચેલા પિતાએ આગની જ્વાળાઓમાં લપટાયેલ તક્ષશિલા આરકેડની ઘટનાને નિહાળી. પોતાની વ્હાલસોયી દિકરી મુશ્કેલીમાં હોય પિતાએ આગની જ્વાળાઓની પરવા કર્યા વિના અથાગ પ્રયાસ કર્યા. જો કે પિતાના આ પ્રયાસ અસફળ રહ્યા.
આગની જ્વાળાઓમાં લપેટાયેલી દીકરીનો મૃતદેહ સુધા ન મળ્યો. જ્યાં અલગ અલગ હોસ્પિટલ અને પોલીસ મથકોના ધક્કા ખાધા બાદ એક ઘડિયાળ અને નાકની નથણી પરથી દિકરીની ઓળખ થઈ. જ્યાં ન જોઈ શકાય તેવી દીકરીની લાશ જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. કાણાની પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો.અને સમગ્ર પરિવાર જાણે શોકમગ્ન સ્થિતિમાં મુકાઈ ગયો. જો કે રાજ્ય સરકાર દ્વારા પરિવાર ને ચાર લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી પરંતુ, પરિવારે આ સહાય લેવાનો સાફ ઇન્કાર કરી દીધો અને આ રકમ અપૂરતી ફાયર સુવિધામાં લગાડવા જણાવ્યું.
મૃતક વિધાર્થીની બહેન સ્નેહલે જણાવ્યું છે કે, સમગ્ર ઘયના માટે જો કોઈ જવાબદાર હોય તો તે સુરત મહાનગરપાલિકા, એમજીવીસીએલ અને ફાયર વિભાગ. આ ત્રણે વિભાગના અધિકારીઓએ પોતાની ફરજમાં આવતી કામગીરી કરવામા આળસ દાખવી છે. ક્યાં તો રૂપિયા ના જોરે બાંધકામની પરવાનગી આપી છે. આ સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઇએ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કસુરવારો સામે કડકથી કડક પગલાં ભરાવા જોઈએ.
ઘટના બન્યા બાદ કરોડોના ખર્ચે હાઇડ્રોલિક ક્રેનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી પરંતુ, જો આ વ્યવસ્થા પહેલાથી જ કરી હોત તો બાવીસ જેટલા લોકોના જીવ બચાવી શક્યા હોત. સરકારે ચાર લાખની જાહેરાત કરી છે પરંતુ, શું મૃતકોની કિંમત ચાર લાખમાં આંકવામાં આવી રહી છે?
સરથાણા તક્ષશિલા આરકેડમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ મૃતકોના પરિવારોમાં જવાબદાર તંત્ર સામે ચરુ જેવો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વંશવિ કાણાની નામની વિધાર્થીનિનો પરિવાર સરકાર દ્વારા કરવામાં આવેલ ચાર લાખની સહાયને પણ લેવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. મૃતક વિધાર્થીનીની માતા અને સંબંધી એક જ માગ કરી રહ્યા છે કે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરી યોગ્ય ન્યાય મળે.
આ અગ્નિકાંડમાં વંશવિના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં જીવી રહ્યું છે. પોતાની દીકરીને ગુમાવવાનું પરિવારને ઘણું દુઃખ છે. જીવનની અંતિમ ઘડી પહેલા જ દીકરીએ પોતાના હસ્તે એક પેઇન્ટિંગ તૈયાર કરી જે પેઇન્ટિંગ જોઈ પરિવારની આંખો ભરાઈ ગઈ. હાથથી હાથની વિદાય આપતી પ્રતિકૃતિ સમાન તે પેઇન્ટિંગ બનાવનાર વંશવિને સપનામાં ખ્યાલ નહીં હોય કે ખરેખર તેની આ પ્રતિકૃતિ સમાન પેઇન્ટિંગ સાચા અર્થમાં સાર્થક થઈ જશે. જે પેઇન્ટિંગ આજે પણ વંશવિનો પરિવાર પોતાના મોબાઈલમાં કંડારી બેઠું છે. જો કે આ ઘટના બાદ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરે તે માટે ન્યાયની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે.