સુરત : પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી ખંડણી માંગી હત્યા કરી દેવાની ધમકી આપવા જેવી ગંભીર ઘટના સુરત જિલ્લામાં બની હતી. અપહરણ થયેલ યુવકને છોડાવવા જિલ્લા પોલીસે ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતુ. પોલીસે યોજના બંધ રીતે રેડ કરી પાંચ ઓરિસ્સાવાસી આરોપીઓના ચુંગાલમાંથી યુવકને છોડાવી પરિવારને સુરક્ષિત સોંપ્યો છે.
પૈસાની લેતીદેતીમાં ઘડ્યું કાવતરું : આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડના સાયણ ખાતે રહેતા સાગર પંકજ સ્વાઈને વિરાટ બહેરા નામના યુવાનને પૈસા આપ્યા હતા. પરંતુ વિરાટ પૈસા આપવાનું ટાળતો હતો. વધુમાં વિરાટના મગજમાં એક વિચાર આવ્યો અને અન્ય ચાર મિત્રો સાથે પૈસા આપનાર સાગરના અપહરણનો પ્લાન ઘડી નાખ્યો. બાદ પૈસા આપવાના બહાને સાગરને પીપોદરા બોલાવ્યો હતો.
ચાર મિત્રો સાથે મળી કર્યું અપહરણ : સાગરને પણ વિરાટની નિયત પર શંકા હતી, એટલે તે મિત્રો સાથે પીપોદરા પહોંચ્યો. પણ ત્યાં પહેલાથી વિરાટ તેના સાગરીતો સાથે હતો. જેવો સાગર પીપોદરા પહોંચ્યો વિરાટ અને તેની ગેંગે સાગર અને તેના મિત્રો પર અચાનક હુમલો કરી દેતા સાગરના મિત્રો જીવ બચાવી ભાગ્યા હતા. પણ સાગર વિરાટના હાથે લાગી જતા એની સાથે મારઝૂડ કરી સાગરનું અપહરણ કરી ગયા હતા.
ખંડણી માંગી હત્યા કરવાની ધમકી આપી : સાગરનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ સાગરના ફોનથી તેની માતા અને મિત્રોને ફોન કરી 6 લાખની ખંડણી માંગી. ઉપરાંત જો પૈસા નહીં આપે તો સાગરની હત્યા કરી નાખવાની ધમકી આપી. આ ધમકી બાદ સાગરનો પરિવાર પોલીસ પાસે પહોંચ્યો અને ફરિયાદ કરી.
સુરત પોલીસે પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન : આખી ઘટનાને પોલીસે ગંભીરતાથી લઇ સાગરને સુરક્ષિત છોડાવવા સુરત ગ્રામ્ય પોલીસ, LCB, SOG, પેરોલ ફર્લો, કોસંબા, કિમ અને ઓલપાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી. ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કર્યો અને આરોપીઓનું અસલી સરનામું મળી આવ્યું. આરોપીઓ સાગરને નુકસાન ન કરે એ રીતે આખું ઓપરેશન શહેર પોલીસે ચલાવ્યું.
અપહરણકર્તા ગેંગના પાંચ આરોપી ઝડપાયા : સુરત શહેરના લીબાયત વિસ્તારમાંથી ટેરેસની રૂમમાંથી સાગરને સુરક્ષિત બચાવી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. માસ્ટર માઈન્ડ આરોપી વિરાટ અને તેની આખી ગેંગ પોલીસના હાથે લાગી ગઈ. હાલમાં સુરત પોલીસે પાંચેય આરોપી વિરુદ્ધ માર મારવા, લૂંટ ધાડ, અપહરણ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગુનાહીત ઇતિહાસ બાબતે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.