સુરત: શહેરમાં અવાર નવાર આગ અકસ્માતો બની રહ્યા છે. પુણાગામ વિસ્તારના સીતાનગર ચોક પાસે એક મકાનમાં ભયાનક આગ લાગી હતી. આ મકાનની અંદર જ લુન્સનું કારખાનું શરૂ કરાયું હતું. જ્યાં ગઈકાલે રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સત્વરે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ભેસ્તાન ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ડીપાર્ટમેન્ટે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સદનસીબો કોઈ જાનહાનિ થઈ ન હતી.
ફાયર ફાઈટર્સને નડ્યો ટ્રાફિકઃ આગ લાગતા જ ફાયર વિભાગને સત્વરે જાણ કરાઈ. ભેસ્તાન ફાયર વિભાગથી ફાયર ફાઈટર્સ નીકળ્યા પરંતુ આગ લાગી હતી તે મકાન સુધી પહોંચવામાં આ ફાયર ફાઈટર્સને બહુ ટ્રાફિક નડ્યો. સાંકડી શેરી અને બેફામ પાર્કિંગને પરિણામે ફાયર ફાઈટર્સને પહોંચવામાં અડચણ અનુભવાઈ હતી.
અમને રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે પુણાગામ વિસ્તારમાં આવેલ સીતાનગર ચોક પાસે ગીતા નગર ગેટ નંબર એકની અંદર ખાતા નંબર 2 માં જ્યાં મકાન હતું પરંતુ તેની અંદર લુમ્સનું કારખાનું છે તેમાં કોઈક રીતે આગ લાગી છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા પરંતુ અમારી ગાડીઓ અંદર પહોંચી શકે તેમ ન હતી. શેરીમાં પ્રવેશતા ગાડીઓને અડચણ અનુભવી હતી. ખૂબ જ સાકડી ગલી હોવાને કારણે ખૂબ જ તકલીફો પડી હતી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે...દિનુભાઈ પટેલ (ફાયર ઓફિસર, ભેસ્તાન ફાયર વિભાગ)
વિકરાળ આગને મહામહેનતે કાબૂમાં લેવાઈઃ આગ ખૂબ જ વિકરાળ હોવાથી ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ફાયરના જવાનોએ ઓક્સિજન સિલિન્ડર પહેરી કારખાનાની અંદર ગયા હતા. ત્યાં આગ ઉપર પાણીનો સતત મારો ચલાવવો પડ્યો. લગભગ પોણા કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં તમામ ઘરવખરીનો માલ તથા મશીનો કપડાં બળી ગયો.
વિસ્તારની વીજળી બંધ કરાઈ આગને જોતા જ સોસાયટીના લોકોએ તાત્કાલિક જીઈબીને જાણ કરી. આખી સોસાયટીની વીજળી બંધ દેવામાં આવી હતી. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પ્રથમ દ્રષ્ટિએ જોતા સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.