સુરતના ઓલપાડ તાલુકાના છેવાડા એટલે કે કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. છેવાડાના ગામો જેવાકે ભાંડૂત, મોટા ખોસાડિયા, નાના ખોસાડિયા, દભારી, ટૂંડા, છીણી, ધનસેરા જેવા 7 જેટલા ગામોના ખેડૂતોને હાલ સિંચાઇ માટે પાણી મળી રહ્યું નથી. 12 દિવસ પહેલા ઉકાઇ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવયું હતું, પરંતુ સિંચાઇનું પાણી નહેર મારફતે ગામે ગામ ખેતર માટે પહોંચવું જોઇએ તે પાણી 12 દિવસ પછી પણ પહોંચ્યું નથી. પાણી નહીં પહોંચવાને કારણે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પરવરના પાકને મોટું નુકશાન થઇ રહ્યું છે. તેથી પાણી જે આપવામાં આવે છે તે, પાણી નહેરમાંથી ચોરાઇ જતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ મામલે અનેક વખત સિંચાઇ વિભાગને જાણ કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જે પાણી 2-3 દિવસમાં નહેર દ્વારા ખેડૂતોને મળવું જોઇએ તે પાણી 12 દિવસે પણ નથી પહોંચતુ જેનું મુખ્ય કારણ છે પાણી ચોરી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો, ઉનાળાના રોટેશનમાં આ છેલ્લી વખત પાણી આવનાર છે કારણે ઉકાઇ ડેમમાં પાણી ફક્ત 10 ટકા જથ્થો બચ્યો હોવાની વાત બહાર આવી છે. ત્યારે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે અને ખેડૂતોને પાણી નથી મળી રહ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.