સુરત : સુરત જિલ્લામાં ગાજવીજ સાથે થયેલા વરસાદમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. બારડોલી તાલુકાના બાબલા ગામે આકાશી વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. મહિલા પોતાના પતિ સાથે ખેતરમાં બકરા ચરાવી રહી હતી. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. જોકે તેની નજીક ઉભેલા પતિનો ચમત્કારિક બચાવ થયો હતો.
શું છે સમગ્ર મામલો : બારડોલી તાલુકાના બાબલા ગામે મોટા હળપતિવાસ ફળિયામાં રહેતા સુમન હળપતિ બકરા પાલન અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરના સમયે તેઓ તેમની 63 વર્ષીય પત્ની જશુબેન સાથે ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બકરા ચરાવવા માટે ગયા હતા. બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ બકરા ચરાવી રહ્યા હતા. તે સમયે જ આકાશમાંથી જશુબેન પર વીજળી પડી હતી. સુમનભાઇને પણ વીજળીનો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેમને કોઈપણ પ્રકારની ઇજા થઈ ન હતી.
ગામમાં શોકની લહેર : જ્યારે જશુબેનને ડાબા ખભાની નીચે ઇજા થતા ગંભીર રીતે દાઝી જતાં તેણીનું ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામના જીતુ પટેલ સહિતના આગેવાન સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી. વીજળી પડવાથી વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં ગામમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો : Surat News: ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી, એકનું મોત
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી : ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવવાની સાથે સમયાંતરે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે સવારથી જ બારડોલી સહિત સમગ્ર તાલુકામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોરના સમયે અચાનક અંધારા થઈ ગયા બાદ થોડી મિનિટો માટે વરસાદ વરસ્યો હતો. વીજળીના ગાજવીજ સાથે વરસાદ થતાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : Surat Rain : ભર ઉનાળે ભડ ભાદરવો, ગાજવીજ સાથે વરસાદ વરસતા બફાટ થયો દૂર
કેરી સહિત અન્ય પાકમાં નુકસાનની ભીતિ : વારંવાર થઈ રહેલા કમોસમી વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. શિયાળામાં ઠંડી વધુ પડતા આ વખતે કેરીની સીઝન સારી જવાની આશા હતી. પરંતુ માર્ચમાં પડેલા કમોસમી વરસાદને કારણે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હવે મંગળવારના રોજ પણ વાતાવરણમાં બદલાવ આવતા કેરી પકવતા ખેડૂતો ઉપરાંત વિક્રેતાઓની ચિંતા વધી ગઈ છે. આ ઉપરાંત વરસાદથી શાકભાજીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.