સુરત : માત્ર એક વર્ષની બાળકી ડોગ બાઈટનો શિકાર બની હતી. તેની આંખને એટલી હદે ગંભીર ઇજાઓ થઈ હતી કે આંખ બહાર આવી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ત્રણ કલાક સર્જરી કરી તેની આંખ બચાવી લીધી છે. પરંતુ તે જોઈ શકશે કે નહીં તે આવનાર દિવસોમાં ખબર પડશે. તેની આંખની જગ્યાએ ખાડો ન રહી જાય તે માટે પણ ડોક્ટરોએ કલાકો સુધી પ્રયત્ન કર્યા હતાં અને સફળ સર્જરી કરી હતી. બાળકી ભવિષ્યમાં જોઈ શકે તે માટે પણ ડોક્ટરો સતત પ્રયત્નશીલ છે.
2 નવેમ્બરે બની ઘટના : નવી સિવિલ હોસ્પિટલમાં બીજી નવેમ્બરના રોજ એક વર્ષની બાળકીને ડોગ બાઈટ કેસમાં સારવાર માટે લઈ આવવામાં આવી હતી પરંતુ ડોક્ટરોની ટીમ એ બાળકીની સ્થિતિ જોઈ ચોકી ઉઠ્યા હતાં. કારણ કે ડોગ બાઈટનો શિકાર બનેલી એક વર્ષીય બાળકીની એક આંખ બહાર નીકળી ગઈ હતી તેને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા બગાધામ પ્રજાપતિની એક વર્ષીય બાળકી ઘરની બહાર રમી રહી હતી. આ દરમ્યાન બાળકીના શરીરે અચાનક જ શ્વાનએ બચકાં ભરી લીધાં હતાં જેના કારણે તેને આંખ પર ગંભીર ઈજાઓ થઈ હતી અને આંખ પણ બહાર નીકળી આવી હતી. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં રડવા લાગી હતી અને પરિવારના સભ્યો દોડી આવ્યાં હતાં અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
અન્ય ડોક્ટરોની પણ સલાહ લીધી : સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ બાળકીની સ્થિતિ જોઈ દ્રવી ઉઠ્યા હતાં. કારણ કે નવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આજ દિન સુધી આવી રીતે ગંભીર ઇજાગ્રસ્ત બાળકી આવી નહોતી. સિવિલ હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત અને આંખ રોગોના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિ સોલું એડિશનલ પ્રોફેસર તરીકે 30 વર્ષથી સરકારી મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બાળકીની સ્થિતિ જોઈ તરત જ બાળકીની આંખ બચાવવા માટે કાર્યરત થઈ ગયા હતાં. તેઓએ અન્ય ડોક્ટરોની પણ સલાહ લીધી હતી અને અઢી કલાક સુધી સર્જરી કરી બાળકીની નીકળી ગયેલી આંખ ફરીથી સર્જરીના માધ્યમથી લગાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં. બાળકીને 15 જેટલા ટાંકા આવ્યા હતા અને આંખમાં ખાડો ન રહી જાય અને બાળકી સામાન્ય દેખાય તે માટે ડોક્ટરોએ પ્રયત્નો કર્યા હતા અને સફળ સર્જરી કરી હતી.
અમે પહેલીવાર આવો કેસ જોયો છે જેમાં આખું આઈ ગ્લોબ ડેમેજ થઈ ગયું હતું. આમ તો સામાન્ય રીતે આંખની આસપાસ ઈજાઓ થાય એવા કેસો આવતા હોય છે. આઈ ગ્લોબ આવી રીતે ડેમેજ થયું હોય એ પણ ખૂબ જ ગંભીર રીતે એ અમે પહેલીવાર જોયું છે....ડૉ. તૃપ્તિ સોલું ( નવી સિવિલ હોસ્પિટલ)
આંખનો માવો પણ બહાર આવી ગયો : ડૉ તૃપ્તિ સોલુંએ જણાવ્યુ હતું કે, બીજી નવેમ્બરના રોજ સુરતના વરાછા વિસ્તારમાંથી નાની બાળકીને હોસ્પિટલ લાવવામાં આવી હતી તેની હિસ્ટ્રી ડોગ બાઈટની હતી અમે જોયું કે તેને ડોગ બાઈટના કારણે ખૂબ જ ગંભીર ઇંજરી થઈ હતી. અમે તેના માતાપિતાને પણ સમજાવ્યું કે તેને ખૂબ જ ખતરનાક રીતે વાગેલું છે. તેની આંખને ખૂબ જ ગંભીર રીતે ઇજા થઈ છે. ટીશ્યૂ બહાર આવી ગયાં છે અને આંખનો માવો પણ બહાર આવી ગયો છે. આ એક ગંભીર પ્રકારની ઇજા હતી. બાળકીની આંખ બચાવવા માટે અમે ઉચ્ચ ડિપાર્ટમેન્ટમાં પણ સલાહ લીધી હતી. અન્ય કેસો આવે છે જેમાં આંખની આસપાસ ઈજા થઈ હોય તો અમે ઇમોનોગ્લોબિંહ ટીશ્યૂ લગાવીને તેને સારું કરી શકીએ, પરંતુ આ ક્રોનીયા ટેબ અને સ્કેરાલ ટેબ હતું. આ માટે અમે થોડીક તપાસ કરી અને અમારા ત્યાં એક એપ્થોપ્લાસ્ટિક સર્જન ડોક્ટર વાસ્વિક જોશી આવે છે તેમને પણ અમે બોલાવ્યા હતાં.
પ્રાઇવેટ હોસ્પિટલમાં 50 થી 70 હજાર રૂપિયાનો ખર્ચ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે અમે કલોરનીઓસ્કેરલ સર્જરી કરવાનું નક્કી કર્યું. ચાર ડોક્ટરોની ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી હતી. બાળકીને આંખમાં 15 જેટલા ટાંકા આવ્યાં. જોકે અમે બાળકીના આંખ બચાવી લીધી છે, પરંતુ વિઝન આવશે કે નહીં એ આવનાર દિવસોમાં ખબર પડશે. બાળકીની આંખ નોર્મલ આંખની જેમ જોવા મળશે. ત્યાં ખાડો રહેશે નહીં એટલી ગેરંટી અમે આપી શક્યાં. આ ખૂબ જ ગંભીર પ્રકારની ઈજા હતી તેનાથી વિઝન પણ જઈ શકે આવી સ્થિતિ હતી. બાળકીની સારવાર ચાલી રહી છે. આવતા અઠવાડિયામાં અમે જોઇશું કે તેના આંખના પડદામાં કેટલું ડેમેજ થયું છે. ભવિષ્યમાં જો વધુ કોઈ જરૂરિયાત લાગે તો સારવાર અમે આપીશું. પ્રાઇવેટ હોસ્પિટલમાં 50 થી 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જો કે સરકારી હોસ્પિટલમાં આ સર્જરી નિશુલ્ક કરવામાં આવી છે.